રાજકોટમાં રહેતા બે મિત્રોને 50% કમિશનની લાલચમાં બોગસ પેઢી બનાવવી ભારે પડી છે. કારણ કે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા બોગસ પેઢીના આધારે તેનું બેન્ક એકાઉન્ટ ખોલી અને ભાડે આપી દેનાર રાજકોટના બે શખ્સની ધરપકડ કરી. બોગસ પેઢી ખોલવા સલાહ આપનાર અને તેનું એકાઉન્ટ ઓપરેટ કરનાર શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં આ મ્યુલ એકાઉન્ટમાં કુલ રૂ.1.73 કરોડના ટ્રાન્ઝેક્શન થયાનું સામે આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ICICI બેંકમાં આવેલ ‘મેસર્સ હનુમંત ઓર્ગેનિક ટ્રેડિંગ પ્રા.લી.’ નામની પેઢીના ખાતામાં શંકાસ્પદ રીતે સાયબર ફ્રોડના રૂ.1.73 કરોડ જમા થયા હતા. આ બાબતે સાયબર ક્રાઇમ હેડ કોન્સ્ટેબલ હર્ષરાજસિંહ જાડેજાએ તપાસ હાથ ધરી બેંક ખાતાના બે ધારકો દીપક જેરામ ગઢીયા અને નિતિન રાજેશ ચક્રવર્તીની પૂછપરછ કરવામાં આવતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. પોલીસ પુછપરછમાં આરોપીઓએ કબૂલાત આપી હતી કે દોઢ મહિના પહેલાં તેમના મિત્ર કિશન રામાણીએ શૈલેષ અમરશી લુણાગરીયા સાથે તેમની મુલાકાત કરાવી હતી.
મુલાકાત દરમિયાન શૈલેષે તેમને કમિશનની લાલચ આપીને જણાવ્યું હતું કે, ખોટી પેઢી બનાવી તેનું ખાતું ખોલાવવાનું છે. ખાતામાં જમા થનાર પૈસાના ટ્રાન્ઝેક્શન પર મળનારા કમિશનના 50% શૈલેષ રાખશે અને બાકીના 50% તે બંનેને આપશે. પૈસાની જરૂરિયાત હોવાથી દીપક અને નિતિને ભક્તિનગર સ્ટેશન પ્લોટનું સરનામું દર્શાવીને બોગસ પેઢી ઊભી કરી હતી. આ પછી એકાઉન્ટ ખુલ્યા બાદ પાસબૂક, એટીએમ કાર્ડ, નેટ બેંકિંગ અને પાસવર્ડ શૈલેષને સોંપી દીધા હતા. ત્યારબાદ ઓગસ્ટમાં શૈલેષે અમદાવાદની એક હોટલમાં અન્ય પાર્ટી સાથે પણ તેમની મુલાકાત કરાવી હતી.