બહેન રાધિકાના ઈ-મેઈલની પબ્લિક ડોમેન પર ચર્ચા ન થવી જોઇએ

અમદાવાદમાં એર ઇન્ડિયાના પ્લેન ક્રેશમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું કરુણ નિધન થયાને એક વર્ષ પૂર્ણ થયું છે. 12 જૂન, 2025ના રોજ સર્જાયેલી આ ભયાનક વિમાન દુર્ઘટનાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે પૂર્વ મુખ્યમંત્રીના પુત્ર ઋષભ રૂપાણીએ પિતા સહિત અકસ્માતમાં જીવ ગુમાવનારા તમામ દિવંગતોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. આ પ્રસંગે તેમણે પ્લેન ક્રેશની તપાસ અને એર ઇન્ડિયાની વળતર પોલિસી સહિતના મહત્વના મુદ્દાઓ પર મીડિયા સમક્ષ વિસ્તારપૂર્વક વાત કરી હતી.

પિતાના વિચારોને જીવંત રાખવા ‘વિજય રૂપાણી ફાઉન્ડેશન’ની જાહેરાત ઋષભ રૂપાણીએ જણાવ્યું હતું કે, તેમના પિતાના વિચારો થકી લોકોનું સકારાત્મક ઘડતર થાય તેવા પરિવારના અવિરત પ્રયાસો રહેશે. તેમણે ઉમેર્યું કે, “વિજયભાઈના વિચારો એટલે ભારતીય જનતા પાર્ટી અને RSSના વિચારો.” આ સંસ્કારોનું સમાજમાં સિંચન કરવા માટે ‘વિજય રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ’ અને ‘વિજય રૂપાણી ફાઉન્ડેશન’ દ્વારા યુવાનો, મહિલાઓ, આરોગ્ય, શિક્ષણ અને સેવાલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.

વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયા બાદ પણ હજુ સુધી આખરી તપાસ રિપોર્ટ ન આવવા અંગે ઋષભ રૂપાણીએ પીડિત પરિવારોને ધીરજ રાખવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, દેશ કે વિદેશમાં જ્યારે પણ આવી મોટી દુર્ઘટનાઓ બને છે ત્યારે તેની વિવિધ થિયરીઓ ચકાસીને અત્યંત ઝીણવટભરી તપાસ કરવાની હોવાથી સમય લાગે તે સ્વાભાવિક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ જેવા ગુજરાતના સપૂતો જ્યારે દેશની સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે, ત્યારે કેન્દ્ર સરકારની તપાસ એજન્સીઓ પર પૂરેપૂરો ભરોસો રાખવો જોઈએ અને તપાસનો યોગ્ય નિષ્કર્ષ ચોક્કસ આવશે.

એર ઇન્ડિયાની વળતર પોલિસી અને કથિત શરતો અંગે ચોખવટ એર ઇન્ડિયા દ્વારા વળતર ચૂકવવાના બદલામાં પીડિત પરિવારો પાસે ભવિષ્યમાં કોઈ કાયદાકીય કેસ કે કાર્યવાહી ન કરવાની શરત લખાવી લેવામાં આવી રહી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આ લીગલ ક્લેમ વેવિયર (Legal Claim Waiver) બાબતે વિજયભાઈના પુત્રી રાધિકાબેને એર ઇન્ડિયાને ઇ-મેઇલ કર્યો હોવાની વાત સ્વીકારતા ઋષભે જણાવ્યું કે, એર ઇન્ડિયા અને ટાટા ટ્રસ્ટ છેલ્લા એક વર્ષથી તમામ પીડિત પરિવારો સાથે ઇ-મેઇલ કોમ્યુનિકેશન કરી રહ્યું છે. રાધિકાબેનના ઇ-મેઇલનો કંપની દ્વારા જવાબ પણ મળી ગયો છે. જો કે, આ મામલો પીડિત પરિવાર અને એરલાઇન્સ વચ્ચેનો ખાનગી વિષય હોવાથી તેની ચર્ચા પબ્લિક ડોમેન પર ન થવી જોઈએ તેવી તેમણે વિનંતી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *