રાજકોટમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. શહેરના રૂખડિયાપરા વિસ્તારમાં રહેતા યુવાનને તેનો જ મિત્ર બપોરના સમયે ચા પીવાના બહાને ઘરેથી તેડી ગયો હતો અને કલાક પછી અન્ય એક મિત્ર બેભાન હાલતમાં ઘરે મૂકી ગયો હતો. જોકે, સારવાર મળે એ પહેલા યુવાને દમ તોડી દેતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે.
રાજકોટના રૂખડિયાપરા વિસ્તારમાં રહેતા રણજિતભાઈ જાખેલીયાએ જણાવ્યું હતું કે, મારો પુત્ર ઉમંગ રણજિતભાઈ જાખેલીયા (ઉ.વ.23) આજે બપોરના સમયે ઘરે સૂતો હતો દરમિયાન 2.30 વાગ્યા આસપાસ અમારા પાડોશમાં જ રહેતો તેનો મિત્ર નાઝિર ઘરે આવ્યો હતો. નાઝિરે ઉમંગને ચા પીવા જવું છે કહી ઘરેથી લઇ ગયો હતો અને એક કલાક પછી આસિફ મારા પુત્ર ઉમંગને બેભાન હાલતમાં ઘર પાસે મૂકી ગયો હતો. જેના શરીર પર બેફામ માર મારવામાં આવ્યો હોવાના નિશાન મળી આવ્યા હતા અને હોસ્પિટલમાં લાવતા સારવાર મળે એ પહેલા જ તેનું મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગેની જાણ થતા રાજકોટ શહેર પ્રદ્યુમનનગર પોલીસ સ્ટાફ તેમજ ડીસીપી ઝોન 2 રાકેશ દેસાઈ સહીત પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ પરિવારના આક્ષેપ મુજબ મૃતક ઉમંગનાં મિત્રને સકંજામાં લઇ હત્યા કોના દ્વારા શા માટે નિપજાવવામાં આવી તે અંગે પુછપરછ શરૂ કરી છે.