પ્રદેશ કોંગ્રેસ OBC સેલના ચેરમેન સાથે રૂ.65 લાખની છેતરપિંડી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના OBC સેલના ચેરમેન ડો.મહેશ રાજપૂત સાથે રૂપિયા 65 લાખની છેતરપિંડી થયા હોવાની ફરિયાદ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. મહેશ રાજપૂતના મિત્રના મિત્ર રોમી મોરજરીયાએ રૂપિયાની જરૂરિયાત હોવાનું કહી 65 લાખ રૂપિયા હાથ ઉછીના એક મહિના માટે મેળવી બાદમાં પ્રોમિસરી નોટ લખી આપી 6 ચેક આપી વિશ્વાસ અપાવ્યો હતો જો કે બાદમાં રૂપિયા ન આપતા ચેક જમા કરતા ચેક બાઉન્સ થયા હતા અને રૂપિયા આપી દેશે તેવા બહાના બનાવી આજદિન સુધી પરત ન આપતા આખરે ફરિયાદ નોંધાવતા માલવિયાનગર પોલીસે આઇપીસી કલમ 420 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રૂપિયા 65 લાખ મિત્રતાના નાતે હાથ ઉછીના આપ્યા હતા
પ્રદેશ કોંગ્રેસ OBC ચેરમેન મહેશભાઈ રાજપુતે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ઓક્ટોબર 2022 દરમ્યાન મારા મિત્ર જય ખારાએ મને તેના મિત્ર રોમી મોરજરીયા સાથે ઓળખાણ કરાવી હતી અને કહ્યું હતું કે મારા મિત્ર રોમી સિમેન્ટ લોખંડનો વેપાર કરે છે જે તમને મળવા માંગે છે જેથી હું જય ખારાની ઓફીસ ગયો હતો અને ત્યા રોમી મોરજરીયાએ મને કહ્યું કે મારે ધંધા માટે એક મહિના પુરતી પૈસાની જરૂરિયાત છે. જેથી મને પૈસા આપો અને હું એક મહિનાની અંદર તમને તમારા પૈસા પરત આપીશ. જય મિત્ર હોવાથી મે મિત્રતાના નાતે રોમી મોરજરીયાને પૈસા દેવાની હા પાડી હતી અને જય ખારાની ઓફીસે તેના સ્ટાફની હાજરીમાં રોમી મોરજરીયાને તા.13.10.2022ના રોજ બપોરના 2 વાગ્યા આસપાસ રોકડા રૂપિયા 65 લાખ મિત્રતાના નાતે હાથ ઉછીના આપ્યા હતા.

રોમી મોરજરીયાએ મને તેની HDFC BANK એમ.જી.રોડ શાખા પોરબંદર રત્નાકર એન્ટરપ્રાઇઝના ચેક આપ્યા હતા જેમાં રૂપિયા 10 લાખના 5 ચેક તથા રૂપિયા 15 લાખનો એક ચેક મળી કુલ 6 ચેક આપ્યા હતા. રોમી મોરજરીયા પૈસા મળ્યા બદલ રૂપિયા 300ના સ્ટેમ્પ ઉપર મને એક પ્રોમિસરી નોટ લખી આપી હતી અને આ પ્રોમિસરી નોટમાં તા.13.11.2022ના રોજ પૈસા પરત આપવા બાબતે લખાણ કરી આપ્યું હતુ. રોમી મોરજરીયાએ મને વિશ્વાસ આપ્યો હતો કે હું તમને આ પૈસા ન ચુકવી શકુ તો મારી પાસે ઓપેલ પ્લાઝા-એ નામના એપાર્ટમેન્ટમાં 104 તથા 105 નંબરની બે દુકાન છે જે દુકાનનો તમને દસ્તાવેજ કરી આપીશ તેવી બાંહેધરી પ્રોમિસરી નોટમાં લખી મને વિશ્વાસ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *