રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે અમેરિકા ભારત પર રશિયા સાથેના તેના સંબંધો સહિત અનેક મુદ્દાઓ પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ આવા પ્રયાસો નિરર્થક છે. ભારત તેનો વિરોધ કરશે.
પુતિને PTI સહિત વિશ્વની મુખ્ય ન્યૂઝ એજન્સીઓના વડાઓ સાથેની વાતચીત દરમિયાન ભારત અને વડાપ્રધાન મોદીના વખાણ પણ કર્યા હતા. તેમણે કહ્યું- ભારત એક મહાન દેશ છે. ભારત એક મહાન દેશ અને લોકશાહી છે. રશિયા તેને પોતાનો ભરોસાપાત્ર ભાગીદાર માને છે.
રશિયન રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું- ભારત પોતાના રાષ્ટ્રીય હિતોને પ્રાથમિકતા આપે છે. અમેરિકા સાથેના તેના વધતા સંબંધોથી ભારત-રશિયાની ભાગીદારી પર કોઈ અસર નહીં થાય. રશિયા સાથેના તેના સંબંધો પહેલાની જેમ મજબૂત રહેશે.
પુતિને કહ્યું- અમને ખુશી છે કે ભારત તે તમામ દેશો સાથે સંબંધો વધારી રહ્યું છે, જેને તે પોતાના રાષ્ટ્રીય હિતો માટે જરૂરી માને છે. પુતિને વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનારા વર્ષોમાં ભારત અને રશિયા વચ્ચેનો વેપાર 100 અબજ ડોલર સુધી પહોંચી જશે.
તેમણે કહ્યું- ભારત વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં શામેલ છે અને સૌથી ઝડપી વિકાસ દર ધરાવતા દેશોમાં ગણાય છે. આ સિદ્ધિ અચાનક નથી મળી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારની સતત મહેનત અને નીતિઓનું પરિણામ છે.