ધોરાજી સિટી પોલીસ સ્ટેશન દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત ખોવાયેલાં સોના-ચાંદીનાં ઘરેણાં શોધી કાઢી મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યા છે.
ઘટનાની વિગત જોઇએ તો ધોરાજી સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા કાનજીભાઈ પોપટભાઈ કાકડિયા પોતાની દીકરીનાં આશરે દોઢ લાખ રૂપિયાની કિંમતનાં ઘરેણાં લઈને કામ અર્થે જ્વેલર્સ ખાતે ગયા હતા.
ત્યાંથી ઘરે પરત ફરતી વખતે ઘરેણાં ભરેલી બેગ ક્યાંક પડી જતાં તેમને ઘરેણાં મળ્યાં નહોતાં. આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.ધોરાજી સિટી પોલીસ સ્ટેશનની ટીમે પોલીસના (HAWK EYE) તથા વિશ્વાસ પ્રોજેક્ટના કેમેરાની મદદથી તપાસ શરૂ કરી હતી.
કેમેરાનાં ફૂટેજના આધારે ઘરેણાં લઈ જનારી વ્યક્તિ અંગેની વિગતો મેળવી પોલીસે તપાસ આગળ ધપાવી હતી.
અંતે ખોવાયેલાં સોના-ચાંદીનાં ઘરેણાં શોધી કાઢવામાં આવ્યાં હતાં અને જરૂરી ખરાઈ કર્યા બાદ મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યાં હતાં. આ સરાહનીય કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર બી. આર. પટેલ, સહિતના પોલીસ સ્ટાફે કાર્યવાહી હાથ ધરી હતી.