પાનેલી-મોટી ગામેથી ગુમ થયેલા બન્ને બાળક પરિવારને સોંપી દેવાયા

ઉપલેટા તાલુકાના પાનેલી-મોટી ગામે હુડકો સોસાયટીમાં રહેતા ૧૧ વર્ષ અને ૧૨ વર્ષની ઉંમરના બે બાળક ઘરેથી કોઈને કહ્યા વગર જતા રહ્યા હતા.

આ બંને બાળક મળી ન આવતા પાનેલી-મોટી ગામના રહેવાસી ઝાંઝીબેન જેશાભાઇ સરેનાએ પોતાના ૧૧ વર્ષના પૌત્ર અને પાડોશમાં રહેતા ૧૨ વર્ષના બાળકના ગુમ થયા અંગે રાજકોટ ગ્રામ્ય પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને જાણ કરી હતી.

આ સૂચના અન્વયે ભાયાવદર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર રાખોલીયાએ સ્ટાફ સાથે પાનેલી-મોટી ગામે પહોંચી તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન આ બંને બાળકો રેલ્વે સ્ટેશન બાજુ જતા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે રેલ્વે ટાઇમ ટેબલ ચેક કરતા એક ટ્રેન રાજકોટ તરફ ગઈ હોવાનું માલૂમ પડ્યું હતું.

ભાયાવદર પોલીસે તુરંત જ રાજકોટ શહેર પોલીસ સાથે સંકલન કરીને રાજકોટ ભક્તિનગર રેલ્વે સ્ટેશન ખાતે તપાસ કરાવતા ૧૧ વર્ષ અને ૧૨ વર્ષની ઉંમરના આ બંને બાળક મળી આવ્યા હતા.

પોલીસે બાળકોને તાત્કાલિક હસ્તગત કરાવી ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે લાવી ગણતરીના કલાકોમાં તેમના પરિવારજનોને સોંપી દીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *