રાજકોટમાં RTO કચેરી ખાતે 16 જુલાઈ, 2026ના નવો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ કરવામાં આવ્યો હતો જોકે આ ટ્રેક પર ડ્રાઇવિંગ ટેસ્ટ આપનારાઓમાંથી નાપાસ થનારાઓની સંખ્યા ખૂબ જ વધુ હોવાનું સામે આપ્યું છે. જેમાં ફોર વ્હીલરના પાર્કિંગ માટે અગાઉ વર્ચ્યુઅલ બોક્સ હતું તેના સ્થાને હવે ત્યાં પોલ મૂકવાનું નક્કી કરાયું છે.
રાજ્ય સરકાર દ્વારા રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાઓની 38 RTO કચેરી ખાતે આ રીતે પાર્કિંગમાં પોલ મુકાઈ રહ્યા છે. જેથી ડ્રાઇવિંગ ટેસ્ટમાં નાપાસ થનારાઓની સંખ્યામાં ઘટાડો થઈ શકે.
હાલ રાજકોટ આરટીઓ કચેરી ખાતે પાસ થનારાઓનો રેશિયો 14% થી વધી 22% એ પહોંચ્યો છે પરંતુ હજુ પણ ફોર વ્હીલરના લાયસન્સ માટેની ડ્રાઇવિંગ ટેસ્ટમાં 70% થી વધુ લોકો નાપાસ થઈ રહ્યા છે. જેને કારણે લાંબુ વેઇટિંગ જોવા મળી રહ્યું છે જે સમસ્યાને પહોંચી વળવા માટે હાલ આરટીઓ કચેરી ખાતે બીજો AI ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક તૈયાર થઈ રહ્યો છે.
રાજકોટના RTO અધિકારી ઇન્દ્રજીત ટાંકે જણાવ્યું હતું કે, નવા ટેસ્ટ ટ્રેક બાબતે જણાવવાનું કે પહેલા જે રિઝલ્ટ ઓછું હતું તે હવે દિવસે દિવસે રિઝલ્ટ વધી રહ્યું છે. લોકો રિપીટ થઈ રહ્યા છે અને રિપીટ થતા અરજદારો પહેલા ક્યાંક ફેલ થયા હતા તેનો અંદાજો લઈ અને હાલ પાસ થઈ રહ્યા છે. આરટીઓ ટ્રેક પર અગાઉ યોગ્ય રીતે પાર્કિંગ ન કરવાને કારણે 80% લોકો નાપાસ થતા હતા. જોકે હવે તે બાબતને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સુધારો સૂચવવામાં આવ્યો છે. જે એક અઠવાડિયાની અંદર સુધારો થઈ જશે.