સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નિયમોને નેવે મૂકતો નિર્ણય લેવામાં આવ્યો છે. એક તરફ યુનિવર્સિટી દ્વારા અનુસ્નાતકના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા હોય તેવા અધ્યાપકોને જ ગાઈડશીપ આપવામાં આવે છે ત્યારે બીજી તરફ પરીક્ષા નિયામક તરીકે ચાર્જ સંભાળતાની સાથે જ ડૉ.ધીરેન પંડ્યાને ત્રણ વર્ષ પહેલા રદ કરાયેલી ગાઈડશીપ પરત આપવા માટે આજે 22 ઓક્ટોબરના મળેલી બોર્ડ ઓફ ડીનની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ સાથે જ વિવાદિત અમરેલીના બાબરાની વિશ્વ ભાષા અને સાહિત્ય પરિષદ ટ્રસ્ટ સંચાલિત વર્ણીરાજ કોલેજને ધારીના યોગીજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ હેઠળ મૂકવામાં આવી છે. અગાઉ બોગસ ટ્રસ્ટના નામે આ કોલેજ શરૂ હોવાના કારણે વિવાદ સામે આવ્યો હતો. જોકે હવે રાજ્ય સરકારની મંજૂરી લેવાને બદલે બોર્ડ ઓફ ડીનની બેઠકમાં જ નિર્ણય લેવામાં આવ્યો છે.
યુનિવર્સિટીમાં વર્ષ 2023માં તત્કાલીન કુલપતિ ડૉ. ગિરીશ ભીમાણી દ્વારા ફિઝિક્સ અને બિઝનેસ મેનેજમેન્ટ એમ બંને વિષયમાં ગાઈડશીપ ધરાવતા ડૉ. પંડ્યાની બંને વિષયની ગાઈડશીપ રદ કરવામાં આવી હતી. જોકે હાલના કુલપતિ ડૉ.ઉત્પલ જોષીની ગુડબુકમાં આવતાની સાથે જ ડૉ.પંડ્યાને ફિઝિક્સ વિષયની ગાઈડશીપ આપવા માટે તમામ ડીન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો. જેનાથી આશ્ચર્ય જનમ્યું છે.