રાજકોટના જામનગર રોડ પર આવેલા નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમ વચ્ચે ત્રણ વન-ડે મેચની શ્રેણીની પ્રથમ મેચ રોમાંચક માહોલમાં રમાઈ હતી. સ્ટેડિયમમાં ક્રિકેટ પ્રેમીઓ માટે સૌથી મોટું આકર્ષણ પૂર્વ દિગ્ગજ ખેલાડીઓની નવી પેઢી રહી હતી. વીરેન્દ્ર સહેવાગના પુત્ર આર્યવીર સહેવાગ અને રાહુલ દ્રવિડના પુત્ર અન્વય દ્રવિડ મેદાન પર સાથે રમતા જોવા મળ્યા હતા. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે ખુદ વીરેન્દ્ર સહેવાગ પણ સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા. આખરી ઓવર સુધી ખેંચાયેલા આ હાઈ-વોલ્ટેજ મુકાબલામાં ભારતે ઓસ્ટ્રેલિયાને 7 રને હરાવી શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે નિર્ધારિત ઓવરોમાં 6 વિકેટના નુકસાને 182 રનનો સન્માનજનક સ્કોર બનાવ્યો હતો. જેમાં યશવર્ધન ચૌહાણે શાનદાર પ્રદર્શન કરતાં 34 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે ઝંઝાવાતી 54 રન ફટકાર્યા હતા. જ્યારે આર્યવીર સહેવાગે પિતાની ઝલક બતાવતાં 26 બોલમાં 5 ચોગ્ગા સાથે 28 રન અને અન્વય દ્રવિડે 18 બોલમાં 2 ચોગ્ગા તથા 3 ગગનચુંબી છગ્ગા સાથે 38 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું.