અમેરિકાની હાઉસ આર્મ્ડ સર્વિસિસ કમિટીની સુનાવણી દરમિયાન એક મોટો રાજકીય વિવાદ સામે આવ્યો. ડેમોક્રેટ સાંસદ સારા જેકબ્સે રક્ષા મંત્રી પીટ હેગસેથને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની માનસિક સ્થિતિ અંગે સવાલ પૂછ્યો.
જેકબ્સે પોતાના સવાલ દરમિયાન ટ્રમ્પના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર કરવામાં આવેલી તાજેતરની પોસ્ટનો ઉલ્લેખ કર્યો અને તેમની ભાષાની ટીકા કરી. આ દરમિયાન તેમની પાછળ ઉભેલા એક સહાયકે ટ્રમ્પની જૂની પોસ્ટના કટઆઉટ પણ બતાવ્યા. તેમાં તે વિવાદાસ્પદ ઈસુવાળી AI પોસ્ટ પણ સામેલ હતી, જેને બાદમાં હટાવી દેવામાં આવી હતી.
‘આ જ સવાલ ચાર વર્ષ સુધી જો બાઈડનને પૂછ્યો હતો?’
સારા જેકબ્સે સીધો સવાલ કરતા કહ્યું, ‘શું તમે માનો છો કે રાષ્ટ્રપતિ માનસિક રીતે એટલા સ્થિર છે કે તેઓ કમાન્ડર-ઇન-ચીફની જવાબદારી નિભાવી શકે?’ તેના પર પીટ હેગસેથ નારાજ થઈ ગયા. તેમણે પલટવાર કરતા પૂછ્યું, ‘શું તમે આ જ સવાલ ચાર વર્ષ સુધી જો બાઈડનને પૂછ્યો હતો?’
હેગસેથે કહ્યું કે આ જ ડેમોક્રેટિક પાર્ટીએ બાઈડનનો ત્યારે બચાવ કર્યો હતો જ્યારે તેઓ બરાબર બોલી પણ નહોતા શકતા. તેના પર જેકબ્સે જવાબ આપ્યો કે 2024ની ચૂંટણીમાં બાઈડન ‘અમારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર નહોતા.’ હેગસેથે આગળ કહ્યું કે તેઓ આ પ્રકારના સવાલ-જવાબમાં સામેલ થવા માંગતા નથી.
હેગસેથે ટ્રમ્પનો બચાવ કર્યો
હાઉસ આર્મડ સર્વિસીસ કમિટીની બેઠકમાં જેકબ્સ અને હેગસેથ વચ્ચે જોરદાર દલીલો થઈ હતી. હેગસેથે ટ્રમ્પનો બચાવ કરતા તેમને સૌથી તેજ અને દૂરંદેશી ‘કમાન્ડર ઇન ચીફ’ ગણાવ્યા હતા. અમેરિકી રક્ષા મંત્રીએ જેકબ્સને કહ્યું કે, ‘તમે કમાન્ડર-ઈન-ચીફ વિશે જે પ્રકારની અપમાનજનક ટિપ્પણી કરી રહ્યા છો, હું તેના પર બિલકુલ ધ્યાન નહીં આપું. તેઓ અમારા સર્વશ્રેષ્ઠ કમાન્ડર ઇન ચીફ છે.’
વાસ્તવમાં, આ ચર્ચા એવા સમયે થઈ છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ બનેલી છે અને ટ્રમ્પ પ્રશાસનની નીતિઓ પર વિપક્ષ સતત પ્રહારો કરી રહ્યો છે. આ પહેલા ગયા મહિને પૂર્વ રિપબ્લિકન સાંસદ માર્જોરી ટેલર ગ્રીને પણ ઈરાન યુદ્ધને લઈને ટ્રમ્પની માનસિક સ્થિતિ પર સવાલો ઉઠાવ્યા હતા. ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધની શરૂઆત 28 ફેબ્રુઆરીએ થઈ હતી.