જામનગરમાં સરકારી કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત એવા અંબર ચોકડી વિસ્તારમાં ફ્લાયઓવર બ્રિજ નીચે લાંબા સમયથી ખડકાયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની ટીમ પહોંચી હતી. આ ટીમ જ્યારે પોતાની નિયમિત કામગીરી હેઠળ રસ્તા નડતરરૂપ ગેરકાયદે બાંધકામો હટાવી રહી હતી, ત્યારે અચાનક જ એસ્ટેટ વિભાગની ટીમ પર હુમલો થયો હતો. આ હુમલામાં મનપાના ચાર હંગામી કર્મચારીઓ ઘાયલ થયા હતા.
અસામાજિક તત્વોએ કર્મચારીઓ પર પથ્થરમારો કર્યો પ્રાથમિક માહિતી મુજબ હુમલાખોરોએ મનપાની ટીમ પર હુમલો કર્યો હતો. કર્મચારીઓ કંઈ સમજે કે પોતાનો બચાવ કરે તે પહેલાં જ અસામાજિક તત્વોએ તેમની આંખોમાં મરચાંની ભૂકીનો સ્પ્રે છાંટી દીધો હતો. તેમજ હુમલાખોરોએ ભારે પથ્થરમારો શરૂ કર્યો હતો અને લોખંડની પાઇપો તેમજ લાકડીઓ વડે કર્મચારીઓને માર મારવાનું શરૂ કર્યું હતું. સરકારી કામગીરીને અટકાવવા અને મનપાની ટીમને ભગાડવા માટે અસામાજિક તત્વોએ કાયદાનો કોઈ પણ ડર રાખ્યા વિના હુમલો કરી દેતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.
આ હુમલામાં જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના ચાર હંગામી કર્મચારીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. વિજયસિંહ ઝાલા, ચેતનસિંહ જાડેજા, વિજય રાઠોડ અને મહિપત દાઉડિયાને ઈજા પહોંચી હતી. તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. જેથી ઈજાગ્રસ્તોને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જ્યાં હાલ તબીબો દ્વારા તેમની સઘન સારવાર કરવામાં આવી રહી છે.