જામકંડોરણામાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) ની નવી પેટા-વિભાગીય કચેરી ડિવિઝન-2 નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના મંત્રી કૌશિકભાઈ વેકરિયા અને સ્થાનિક ધારાસભ્ય જયેશ રાદડિયાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી, જેમાં હવેથી ખેડૂતોને 8 કલાકને બદલે 10 કલાક વીજળી પૂરી પાડવામાં આવશે.
જામકંડોરણા મુખ્યત્વે ખેતી આધારિત તાલુકો છે, જેમાં આશરે 50 જેટલા ગામોનો સમાવેશ થાય છે. અત્યાર સુધી માત્ર એક જ PGVCL ડિવિઝન કાર્યરત હોવાથી ખેડૂતોને મેન્ટેનન્સ, ટ્રાન્સફોર્મર બદલવા અને વીજ કનેક્શન સંબંધિત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો.
નવી ડિવિઝન કચેરી શરૂ થવાથી આ વિસ્તારના ખેડૂતોને રાહત મળશે અને વીજળી સંબંધિત પ્રશ્નોનો ઝડપથી નિકાલ આવશે. આ લોકાર્પણ સમારોહ દરમિયાન જેતપુર-જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડિયાએ ખેડૂતોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને મંત્રી કૌશિકભાઈ વેકરિયા સમક્ષ વીજ પુરવઠો વધારવાની માંગ કરી હતી.