રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી નજીક આવેલા શિવનગરમાં રહેતા 20 વર્ષીય યુવાન વિકાસ ભાવુભાઈ તલસાણીયાએ જુના માર્કેટ યાર્ડ સંકુલમાં ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. બકાલાના ગોડાઉનમાં પોતાની રોજિંદી મજૂરીનું કામ પૂર્ણ કર્યા બાદ તેણે નજીકમાં જ આવેલી ડિસ્ટ્રિક્ટ બેંકની પાછળના ભાગે જઈ ઝેર પીધા બાદ પોતાનો ફોટો અને લોકેશન ભાઈને મોકલીને બનાવની જાણ કરી હતી જેથી પરિવારજનો તુરંત ઘટનાસ્થળે પહોંચી યુવાનને ગંભીર હાલતમાં સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
સારવાર દરમિયાન યુવકનું મોત
આપઘાત કરનાર વિકાસ તલસાણીયા ચાર ભાઈઓમાં સૌથી નાનો હતો અને જુના માર્કેટ યાર્ડમાં વિશાલભાઈના શાકભાજીના ગોડાઉનમાં મજૂરી કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. સાંજે 7 વાગ્યા આસપાસ તે ગોડાઉનનું તમામ કામ પૂર્ણ કરી પોતાનું હોન્ડા ત્યાં જ મૂકીને નીકળી ગયો હતો. ગોડાઉન માલિક વિશાલભાઈએ હોન્ડા રેઢું પડેલું જોતાં વિકાસના ભાઈને ફોન કરીને તેની પુછપરછ કરી હતી. આ જ સમયે વિકાસે પોતાના ભાઈને ડિસ્ટ્રિક્ટ બેંક પાછળ ઝેર પી લીધું હોવાનો મેસેજ અને ફોટો મોકલ્યો હતો જેથી પરિવારજનોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી તેને હોસ્પિટલ ખસેડ્યો હતો પરંતુ તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
આપઘાતનું કારણ જાણવા પોલીસનું તપાસ
બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. યુવાને કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે પરિવારજનો પણ અજાણ હોવાથી પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.