જર્મનીની એરલાઇન લુફ્થાંસાએ મેથી ઓક્ટોબર સુધી 20 હજાર શોર્ટ-હોલ ફ્લાઇટ્સ રદ કરવાનો નિર્ણય લીધો છે. ઈરાન યુદ્ધના કારણે યુરોપમાં જેટ ફ્યુઅલની કિંમતો લગભગ બમણી થઈ ગઈ છે. કંપનીના મતે, આનાથી લગભગ 40 હજાર ટન જેટ ફ્યુઅલની બચત થશે.
કંપનીએ સોમવારથી દરરોજ લગભગ 120 ફ્લાઇટ્સ ઘટાડી છે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ રહેવાથી તેલ પુરવઠાને અસર થઈ છે અને યુરોપમાં જેટ ફ્યુઅલ પુરવઠાની ચિંતા વધી છે.
આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી (IEA) એ ચેતવણી આપી છે કે યુરોપ પાસે ફક્ત 6 અઠવાડિયાનું જેટ ફ્યુઅલ બાકી છે.
લુફ્થાન્સાએ મંગળવારે જણાવ્યું કે તે તેના નાના રૂટના નેટવર્કમાં ફેરફાર કરીને ઉનાળાનું ફ્લાઇટ શેડ્યૂલ સ્થિર રાખશે. કંપની એપ્રિલના અંતમાં અથવા મેની શરૂઆતમાં સંપૂર્ણ યોજના જાહેર કરશે.
કંપનીએ તેના નેટવર્કમાં મોટા ફેરફારો કર્યા છે. ફ્રેન્કફર્ટ અને મ્યુનિકથી ખોટ કરતા રૂટ બંધ કરવામાં આવી રહ્યા છે, જ્યારે ઝુરિચ, બ્રસેલ્સ અને વિયેનાથી ફ્લાઇટ્સ વધારવામાં આવશે. આનાથી મુસાફરોને લાંબા અંતરની ફ્લાઇટ્સ સાથે વધુ સારું કનેક્શન મળશે.
ઉનાળાના અંત સુધીમાં લાંબા અંતરની ફ્લાઇટ્સની ક્ષમતા થોડી ઓછી કરવામાં આવશે. 6 મોટા વિમાનો હટાવવામાં આવશે, 2 બોઇંગ 747 શિયાળામાં ઉડાન ભરશે નહીં અને 4 એરબસ A340-600 વિમાનો ઓક્ટોબરમાં કાયમ માટે બંધ કરી દેવામાં આવશે.