રાજકોટ શહેરના ત્રણેય ઝોનની મામલતદાર કચેરીઓને એટીવીટી સેન્ટરો અને કલેકટર કચેરીના જનસેવા કેન્દ્રોમાં જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ સરપ્રાઈઝ ચેકિંગ કરી માહિતી મેળવી હતી. અહીં એ ઉલ્લેખનીય છે કે, પુરવઠા વિભાગ દ્વારા હાલ રેશનકાર્ડ ઈ-કેવાયસીની કામગીરી ચાલી રહી છે. જેમાં જુની કલેકટર કચેરીના ઝોનલ કેન્દ્રમાં રેશનકાર્ડ ઈ-કેવાયસીના મુદે તાજેતરમાં હોબાળો બોલી જવા પામેલ હતો. જેમાં અરજદારો દ્વારા રેશનકાર્ડ ઈ-કેવાયસી અને રેશનકાર્ડમાં નવા નામ ઉમેરવા, કમી કરાવવા માટે એજન્ટો દ્વારા નાણા પડાવાતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.
આ ફરિયાદ કલેકટર સુધી પહોંચતા અને આ અંગેનો વીડિયો વાઇરલ થતા કલેકટર પ્રભવ જોષી દ્વારા આ બાબતે તપાસના આદેશો છોડવામાં આવ્યા હતા. જે બાદ કલેકટર પ્રભવ જોષીએ તાબડતોડ મામલતદાર કચેરીઓના એટીવીટી સેન્ટરો અને જનસેવા કેન્દ્રોનું સરપ્રાઈઝ ચેકીંગ કરી કર્મચારીઓ અને અરજદારોની પણ પુછપરછ કરી માહિતી મેળવી હતી.