રાજકોટમાં MLA જયેશ રાદડિયા VS મહામંત્રી પ્રશાંત કોરાટ

રાજકોટના લોધિકા સહકારી સંઘની સામાન્ય ચૂંટણી 8 સપ્ટેમ્બરે યોજાવાની જાહેરાત કરવામાં આવી છે. 17થી 20 ઓગસ્ટ સુધી ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી શકશે અને 29 ઓગસ્ટે ફાઈનલ યાદી જાહેર કરવામાં આવશે. આ વખતની સંઘની ચૂંટણી પ્રતિષ્ઠાના જંગ સમાન બની ગઈ છે.

ઉમેદવારોની પસંદગી અને ચેરમેન સુધીની નિમણૂક માટે એક તરફ જેતપુર જામકંડોરણાના MLA જયેશ રાદડિયા તો બીજી તરફ ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ પોતાના સમર્થકોને ગોઠવવા મથામણ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, સહકારી સંઘ માત્ર બે તાલુકા પૂરતો મર્યાદિત છે, પરંતુ સહકારી વિભાગની આ ચૂંટણી હવે રાજકીય રીતે ખૂબ જ મહત્વની બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે.

રાજકીય હરીફોની રડારમાં જયેશ રાદડિયા રાજ્યના પૂર્વ મંત્રી જયેશ રાદડિયા રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે. જિલ્લાના સહકારી ક્ષેત્રમાં કોઈપણ નિમણૂક હોય તેમાં રાદડિયાનો હાથ હંમેશા ઉપર રહ્યો છે, પરંતુ સી.આર. પાટીલ દ્વારા સહકારી ક્ષેત્રમાં મેન્ડેટની જાહેરાત કરાયા બાદ રાદડિયાની પાંખો થોડા અંશે કપાઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, રાદડિયાના રાજકીય હરીફો પણ આ વાતનો લાભ ઉઠાવી નિશાન તાકી રહ્યા છે જેમાં ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ પણ બાકાત નથી.

પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીએ ગત ટર્મમાં ચેરમેન બનવા એડી ચોટીનું જોર લગાવ્યું હતું, પરંતુ તેમને સફળતા મળી ન હતી. હવે ફરી ચૂંટણી યોજાવવા જઈ રહી છે, ત્યારે અરવિંદ રૈયાણીએ ગત સપ્તાહ યોજાયેલી ડિરેક્ટર પદની સેન્સ પ્રક્રિયામાં સેન્સ પણ આપી હતી. અરવિંદ રૈયાણીની નજર ચેરમેન પદ પર છે અને એટલા માટે તેઓ પોતાના સમર્થિત ડિરેક્ટરોને મેન્ડેટ મળે તે માટે પ્રયત્નશીલ છે. આ વખતની ચૂંટણીમાં જયેશ રાદડિયાના સમર્થક ડિરેક્ટર પદના ઉમેદવાર સામે અરવિંદ રૈયાણી મેદાને ઉતર્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *