કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ચીન પર નામ લીધા વિના કટાક્ષ કર્યો છે. ટોક્યોમાં સુમિતોમો કોર્પોરેશનના પ્રેસિડેન્ટ અને સીઈઓ સાથેની બેઠક દરમિયાન ગોયલે કહ્યું કે ભારતમાં આંત્રપ્રિન્યોરશિપની ઉજવણી કરવામાં આવે છે.
તમારે એ વાતની ચિંતા કરવાની જરૂર નથી કે જો તમે ભારતમાં પૈસા કમાઓ છો અથવા સફળ થાઓ છો, તો એક દિવસ અચાનક ગુમ થઈ જશો અને પછી કોઈ જાપાની યુનિવર્સિટીમાં પ્રોફેસર બનીને બહાર આવશો. ભારતમાં આવું જોખમ નથી હોતું.
ચીની બિઝનેસમેન જેક માના કેસ તરફ ઈશારો
ગોયલે ચીન કે જેક માનું નામ લીધું ન હતું, પરંતુ તેમનો ઈશારો સ્પષ્ટપણે અલીબાબાના સ્થાપક જેક મા તરફ હતો. વર્ષ 2020માં ચીનના નાણાકીય નિયમનકારોની ટીકા કર્યા પછી જેક મા અચાનક ઘણા મહિનાઓ માટે ગુમ થઈ ગયા હતા.
ત્યારબાદ ચીની સરકારે તેમની કંપની એન્ટ ગ્રુપના રેકોર્ડ IPO રદ કર્યો અને અલીબાબા પર 2.8 અબજ ડોલરનો દંડ ફટકાર્યો. લાંબા સમય સુધી જાહેર જીવનથી દૂર રહ્યા બાદ 2023માં જેક મા ટોક્યો યુનિવર્સિટીમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે સામે આવ્યા હતા.