રાજકોટ જિલ્લાના રાજકારણના ગઢ ગણાતા ગોંડલથી ભાજપ માટે ખૂબ જ ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. ગોંડલ તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામો પહેલા જ ભાજપે પોતાનું ખાતું ખોલાવી દીધું છે. તાલુકા પંચાયતની દાળિયા (રિબડા) બેઠક પર ભાજપના ઉમેદવાર મંજુલાબેન મનીષભાઈ પીપળીયા બિનહરીફ વિજેતા જાહેર થયા છે.
આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાવાનો હતો. જોકે, ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિવસે રાજકીય સમીકરણો બદલાયા હતા. કોંગ્રેસના ઉમેદવાર હર્ષાબેન મુકેશભાઈ મોંણપરા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વર્ષાબેન તુષારભાઈ વોરાએ પોતાના ફોર્મ પરત ખેંચી લેતા ભાજપનો વિજય નિશ્ચિત બન્યો હતો.
રિબડાના આગેવાન રાજદીપસિંહ જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દાળિયા બેઠક હેઠળ આવતા 6 ગામો ગુંદાસરા, રિબડા, રિબ, મુંગાવાવડી, દાળિયા અને વાળધરીમાં રસ્તા, લાઈટ અને પાણીની કોઈ સમસ્યા નથી. ગ્રામજનોની ઈચ્છા હતી કે વિકાસની ગતિ જળવાઈ રહે, તેથી બંને ઉમેદવારોએ ભાજપની વિચારધારામાં વિશ્વાસ મૂકી ફોર્મ પરત ખેંચ્યા છે.” તેમણે વધુમાં અફવાઓથી દૂર રહેવા અને આગામી ચૂંટણીઓમાં ભાજપને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી.