રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે અને છુટાછવાયા વિસ્તારોમાં મધ્યમ વરસાદ નોંઘાયો છે. રવિવારે 226 તાલુકામાં સૌથી વધુ રાજકોટમાં પોણા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. હાલમાં ગુજરાત પરથી વાદળો હટી જતાં ભારે વરસાદની સંભાવના નહિવત્ છે.
હવામાન વિભાગના ડાયરેક્ટ ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, 3 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં, હાલમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની દિશા દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ તરફ રહેવાની શક્યતા છે. સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટને કારણે, 15થી 20 નોટની ઝડપે મજબૂત પવનો ફૂંકાશે, જેમાં પવનની ગતિ 25 નોટ સુધી પહોંચવાની શક્યતા છે. દરિયાની સ્થિતિ મધ્યમથી રફ રહેવાની શક્યતા છે અને ‘Port Warning LC3’ને હવે હટાવી લેવામાં આવી છે.
અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ સાથે ઝાપટાંની આગાહી છે. માછીમારો માટે આગામી 5 દિવસ સુધી કોઈ ચેતવણી નથી. રાજ્ય માટે મહત્વપૂર્ણ સિનોપ્ટિક સિસ્ટમ્સ માટે, પૂર્વ-દક્ષિણપશ્ચિમ રાજસ્થાન પર 1.5 કિમીથી 3.1 કિમીની ઊંચાઈએ સાયક્લોનિક સરક્યુલેશન બનેલું છે. મોન્સૂન ટ્રફ હાલમાં લખનૌ, પટના અને પછી પૂર્વ દિશામાં મણિપુર તરફ પસાર થઈ રહ્યું છે. અન્ય એક સાયક્લોનિક સરક્યુલેશન ખૂબ જ ઉચ્ચ સ્તરે, ખાસ કરીને જમ્મુ ડિવિઝનમાં 5.8 કિમીથી 7.6 કિમી વચ્ચે સક્રિય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 397.7 મિમી વરસાદ વરસવો જોઈએ, જેની સામે 477.7 મિમી નોંધાયો છે, જે +20% વધારે દર્શાવે છે. આજ સુધીમાં મોસમનો કુલ વરસાદ 97.7% સુધી પહોંચ્યો છે.