ગુજરાત સહિત સમગ્ર દેશમાં આવતીકાલે 1 જૂનથી ‘વસતી ગણતરી-2027’ના પ્રથમ તબક્કાનો વિધિવત પ્રારંભ થઈ રહ્યો છે. દેશની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના તરીકે ઇતિહાસમાં અંકિત થનારી આ પ્રક્રિયા રાષ્ટ્રીય સ્તરે પ્રથમવાર સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરાશે.
રાજ્યના વસતી ગણતરી નિયામક સુજલ જે. મયાત્રાએ આ દેશવ્યાપી મહાઅભિયાનમાં સક્રિય સહભાગી થઈ સાચી વિગતો નોંધાવવા તમામ નાગરિકોને સત્તાવાર અનુરોધ કર્યો છે. જો કોઈ નાગરિકો ખોટી વિગત આપશે કે ઈન્કાર કરશે તો તેની સામે કાર્યવાહી થઈ શકે છે. તો બીજી તરફ નાગરિકોને આવક, દસ્તાવેજો અને બેંક વિગતો ન આપવા જણાવાયું છે.
1.10 લાખ કર્મચારીઓ વસતી ગણતરીની કામગીરીમાં જોડાશે રાજ્યના તમામ જિલ્લા, મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ ગામડાઓમાં વસ્તી ગણતરી યોજાશે. આ વસ્તી ગણતરીમાં 1,10,598 હાઉસલિસ્ટિંગ બ્લોક્સ (HLBs), 1,09,038 ગણતરીદારો તેમજ 18,254 સુપરવાઇઝરનો સમાવેશ થાય છે. આ અભિયાનને સફળ બનાવવા માટે ગણતરીદારો, સુપરવાઇઝર અને અન્ય વસ્તી ગણના અધિકારીઓને ત્રણ તબક્કામાં તાલીમ પણ આપવામાં આવી છે.