શહેરમાં જ્યુબિલી ચોક રોડ નજીકથી પોલીસે નેહરુનગરના શખ્સને 11.950 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો હતો. ઝડપાયેલો શખ્સ અન્ય એક સાગરીત સાથે ઓરિસ્સા ગયો હતો અને ત્યાંથી માદક પદાર્થનો જથ્થો લઇને આવી ગયો હતો.
જ્યુબિલી ચોક નજીક ગાર્ડન પાસે એક શખ્સ ગાંજાના જથ્થા સાથે ઊભો હોવાની માહિતી મળતાં એસઓજીના પીએસઆઇ એન.વી.હરિયાણી તથા કોન્સ્ટેબલ વિરદેવસિંહ જાડેજા સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસે બે થેલા સાથે ઊભેલા નેહરુનગરના ચેતન ભરત સમેચા (ઉ.વ.21)ને ઘેરી લઇ થેલાની તલાશી લેતા તેમાંથી રૂ.1,19,500ની કિંમતનો 11.950 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાંજો, મોબાઇલ અને રોકડા રૂ.1700 સહિત કુલ રૂ.1,26,200ના મુદ્દામાલ સાથે ચેતન સમેચાની ધરપકડ કરી હતી.
ચેતન પાસેથી ઓરિસ્સા નોરલા રોડથી અમદાવાદની ટ્રેનની બે ટિકિટ મળી આવી હતી. આ અંગે પૂછતાં ચેતને કબૂલાત આપી હતી કે, પોતે તથા નાનામવા વિસ્તારમાં રહેતો દશરથ રમેશ સોલંકી ઓરિસ્સા ગયા હતા અને ત્યાંથી ગાંજાનો જથ્થો ખરીદ કરીને આવ્યા હતા, તેમજ ચેતન અગાઉ પણ ઓરિસ્સાથી 6 કિલો ગાંજો લઇ આવ્યો હતો તે ગાંજાનું રાજકોટમાં જ વેચાણ કરી નાખ્યું હતું. પોલીસે દશરથની શોધખોળ શરૂ કરી હતી.