રાજકોટ શહેરમાં સોમવારે ન્યૂનતમ તાપમાન 13.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાતા સવારના સમયે વાતાવરણ ઠંડુંગાર થઈ ગયું હતું અને સિઝનનું સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. બીજી તરફ મહત્તમ તાપમાન 32.8 ડિગ્રી સેલ્સિયસ સુધી જ પહોંચી શક્યું હતું જોકે તે સામાન્ય કરતા વધુ હતું. આ કારણે સમગ્ર રાજ્યમાં નલિયામાં સૌથી ઓછું 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ત્યારબાદ રાજકોટ બીજા ક્રમે સૌથી ઠંડું શહેર બન્યું છે.
હવામાનના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર શનિવાર અને રવિવારે મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહ્યું હતું. જેને લઈને સોમવારે ન્યૂનતમ તાપમાનમાં ઘટાડો આવી ગયો હતો. જોકે સોમવારે જ ફરી મહત્તમ તાપમાનમાં નજીવો વધારો આવી જતા ફરીથી તાપમાન નોર્મલ થાય તેવી શક્યતા છે. હાલ આકાશ સ્વચ્છ હોવાથી મહત્તમ અને ન્યૂનતમ તાપમાન વચ્ચે ઘણો ફરક જોવા મળી રહ્યો છે. બે દિવસમાં છૂટા છવાયા વાદળો પણ દેખાશે જેને લઈને તાપમાનમાં સહેજ વધારો જણાઈ આવશે. વાદળોની અસર ત્રણ દિવસ સુધી રહેશે અને બાદમાં ફરી તાપમાનમાં ઘટાડો નોંધાશે.