ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગે આગામી 7 દિવસ એટલે કે 25 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી, વરસાદની આગાહી જાહેર કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આગામી 24 કલાક બાદ ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં હાલ બે અલગ-અલગ વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેના કારણે આ વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે.
કચ્છ અને બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમ હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસે જણાવ્યું કે, એક વરસાદી સિસ્ટમ કચ્છ અને તેની આસપાસના વિસ્તારોમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના રૂપમાં સક્રિય છે. આ ઉપરાંત, બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા પણ સક્રિય છે, જે આગામી 12 કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે. આ બંને સિસ્ટમના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.