રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડની ઘટના બાદ ફાયર NOC માટે નવા નિયમો અમલમાં આવ્યા છે. આ નિયમોને કારણે ફટાકડાનો સિઝનલ ધંધો કરતા વેપારીઓ ચિંતિત હતા. આથી, રાજ્ય સરકાર દ્વારા ફટાકડાના સ્ટોલ માટે એક પરિપત્ર અને ચેકલિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે મુજબ 500 ચોરસ મીટરથી ઓછી જગ્યામાં ફટાકડાનો સ્ટોલ કરનાર વેપારીઓએ ફાયર NOC લેવાની જરૂર રહેશે નહીં. જોકે, આ તમામ વેપારીઓએ ફાયર સેફ્ટીના નિયમો મુજબના સાધનો ફરજિયાતપણે રાખવા પડશે. પોલીસ વિભાગ દ્વારા આ સાધનોનું ચેકિંગ કર્યા બાદ જ સ્ટોલ ધારકને લાયસન્સ ઇશ્યૂ કરવામાં આવશે.
મનપાનાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવેએ જણાવ્યું હતું કે, શહેરમાં દુકાનો તેમજ મુખ્ય માર્ગો પર દિવાળી પહેલા ફટાકડાના સ્ટોલ ઊભા થાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશનનો એસ્ટેટ વિભાગ જગ્યાનું ભાડું વસૂલે છે અને ફાયર વિભાગ ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણી કરીને NOC ફાળવે છે. પરંતુ, નાના સ્ટોલ ધારકોને જગ્યાના અભાવે NOC મેળવવામાં મુશ્કેલી પડતી હતી. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને, સરકારે આ વર્ષે નાના ફટાકડા વેપારીઓને રાહત આપી છે. જે અંતર્ગત હવે 500 ચો.મી.થી ઓછી જગ્યામાં ફટાકડા વેચવા માટે ફાયર NOCમાંથી મુક્તિ આપવામાં આવી છે. જોકે આ માટે ફાયર સેફ્ટીના સાધનો રાખવા જરૂરી છે.