રાજકોટ- જૂનાગઢ રૂટની ઇલેક્ટ્રિક બસના ડ્રાઇવરે ગોંડલ ચોકડી જતા રસ્તામાં વચ્ચે આવતું સ્પીડબ્રેકર ઓવરસ્પીડમાં ઠેકાડતા બસમાં બેઠેલા પેસેન્જર્સ ઉછળ્યા હતા. તેમાં એક વૃદ્ધ મુસાફરને તો મણકાનું ફ્રેક્ચર થઇ જતાં 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી ઓપરેશન કરવું પડ્યું હતું. દરમિયાન આ મામલે ડ્રાઇવર ધવલ ગોસ્વામીને 10 દિવસ માટે સસ્પેન્ડ કરાયો છે તથા એજન્સીને નોટિસ ફટકારવામાં આવી છે.
તદઉપરાંત રાજકોટથી ઉપડતી તેમજ આવતી-જતી તમામ ઇલેક્ટ્રિક બસના ડ્રાઇવરને આવા બનાવો ન બને તેની તકેદારી રાખી કાળજીપૂર્વક ડ્રાઇવિંગ કરવા સૂચના અપાઇ છે. રાજકોટથી જામનગર, જૂનાગઢ અને મોરબી એમ 3 રૂટ પરની 23 બસમાં 48 અને વોલ્વોની 20 બસના 40 ડ્રાઇવર કોન્ટ્રાક્ટ આધારિત છે. ઈલેક્ટ્રિક બસમાં બેઠેલા યાત્રિકને ઈજા થતા ડ્રાઈવર સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી. આ ઘટના બાદ એસ.ટી.ના વિભાગીય નિયામક દ્વારા ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટ ઉપરના ડ્રાઇવરને દસ દિવસ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે અને એજન્સીને નોટિસ પણ આપી છે.
ઉલ્લેખનીય છે કે, એસટી નિગમે રાજકોટ સહિત રાજ્યભરમાં નિવૃત્ત ડ્રાઈવરોને પણ ફરી કરાર આધારિત નોકરી પર રાખ્યા છે. હાલ ઈલેક્ટ્રિક સહિત ઘણી બસોમાં કરારી ડ્રાઈવરો જ ફરજ બજાવી રહ્યા છે.