કોલેજમાં કુરિયર આપવા આવતા યુવક સાથે પ્રેમ થયો

રાજકોટના માધાપર ચોકડી પાસેના મનહરપુરની યુવતીને પોતાની કોલેજમાં કુરિયર આપવા આવતા યુવક સાથે પ્રેમ થયા બાદ તેની સાથે લગ્ન કરી લીધા હતા. જોકે લગ્ન બાદ યુવતીને જાણવા મળ્યું હતું કે, પતિને અન્ય યુવતી સાથે પણ સંબંધ છે અને પતિ તથા સાસુ શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા. અંતે યુવતીને પિયરમાં રહેવાની ફરજ પડી હતી.

મનહરપુરમાં પિયરમાં રહેતી સાયમા સાગઠિયા (ઉ.વ.20)એ બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રીબડા રહેતા પતિ મહેશ ઉર્ફે મયૂર કાળુ સાગઠિયા અને સાસુ શાંતા સાગઠિયાના નામ આપ્યા હતા. સાયમાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના પિતાનું નામ સકિલભાઇ કાદરી છે અને તેને એક ભાઇ છે. સાયમા ત્રણ વર્ષ પહેલાં એમ.જે. કુંડલિયા કોલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારે કોલેજમાં કુરિયર આપવા આવતા મયૂર સાગઠિયા સાથે પરિચય થયો હતો અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા. સાયમા અને મહેશ પુખ્ત થતાં તા.1 નવેમ્બર 2024ના બંને કોર્ટ મેરેજ કરી લીધા હતા અને પરિવારજનો આ સંબંધ સ્વીકારશે નહીં તેવું લાગતા બંને ભાગી ગયા હતા. પિતા સકિલભાઇએ હાઇકોર્ટનું શરણું લેતા સાયમા અને મયૂર સાગઠિયા હાઇકોર્ટમાં હાજર થયા હતા અને સાયમાએ પતિ મયૂર સાથે રહેવાની ઇચ્છા વ્યક્ત કરતાં સાયમા મયૂર સાથે રહેવા જતી રહી હતી. ભાગીને લગ્ન કર્યા બાદ સાયમા પતિ મયૂર સાથે ઘંટેશ્વરમાં રહેતી હતી ત્યારે એક વખત તેની સાસુનો ફોન આવ્યો હતો અને તે ફોન કટ થઇ જતાં પતિ મયૂરે પત્ની સાયમાને ફડાકા ઝીંકી દીધા હતા.

સાસુ શાંતા અવારનવાર મેણાંટોણાં મારતી અને તે કહેતી કે, ‘તું મુસલમાન છો, અમારા ઘરમાં તને લઇ જ નહોતી આવવી, પણ મારા દીકરાએ તારી સાથે પ્રેમલગ્ન કર્યા છે એટલે રાખી, બાકી તો ઘર બહાર કાઢી નાખું, તું ગમતી જ નથી’.

સાસુ શાંતાએ એમ પણ કહ્યું હતું કે, મયૂરે એક યુવતીને બેસાડી હતી અને બાદમાં આ વાતનો મયૂરે પણ સ્વીકાર કર્યો હતો. છેલ્લા પંદર દિવસથી સાયમા સાથે તેની માતા ટેલિફોનિક વાતચીત કરતા હતા. તેના પિતા બીમાર થયાની જાણ થતાં સાયમાએ સોમવારે પિયર જવાનું કહેતા પતિ મયૂર તેને ઘરની બહાર મૂકી ગયો હતો. સાયમાને તેના પિયર પક્ષમાંથી જાણવા મળ્યું હતું કે, મયૂરને અન્ય સ્ત્રી સાથે મિત્રતા છે અને બંનેએ મૈત્રીકરાર કર્યા છે. પોલીસે સાયમાની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *