ઉપલેટાના હાર્દસમાન બસસ્ટેશન ચોકમાં રાજમાર્ગ પરનું બોર્ડ પણ દિશાભાન ભૂલ્યું !

ઉપલેટાના હાર્દ સમા વિસ્તાર બસ સ્ટેશન ચોકમાં આંબેડકરના પૂતળા નીચે નગરપાલિકાએ દિશા સૂચક બોર્ડ તો મૂકી દીધું પરંતુ તેમાં અક્કલનું પ્રદર્શન થાય તેવા કામ કર્યા છે. આ બોર્ડ દિશાનું યોગ્ય સૂચન કરવાના બદલે વાહનચાલકોને ગોથે ચડાવી રહ્યું છે. ધોરાજી રોડને પોરબંદર રોડ અને પોરબંદર રોડને ધોરાજી રોડ તરીકે નિર્દેશ કરી રહ્યું છે.

આથી જે વાહનચાલકો રસ્તાના જાણકાર છે તેમને વાંધો નથી આવતો, પરંતુ અજાણ્યા વાહન ચાલકો કે જેઓ ગુગલ મેપ શરૂ કરીને નીકળ્યા હોય તે પણ એકવાર તો આ બોર્ડ વાંચીને ગોથે ચડે જ કે કોણ સાચું?! મેપ કે આ બોર્ડ! શહેરના બસસ્ટેશન ચોક કે જે રાજમાર્ગ તરીકે જાણીતો છે ત્યાં આ બોર્ડ લગાવ્યાને પાંચ દિવસથી ઉપર સમય વીતી ગયો હોવા છતાં હજી સુધી તંત્રના કોઈ અધિકારી કે કોઈ સુપરવાઇઝરના ધ્યાન પર આ બાબત આવી નથી.

સ્થાનિકોમાં ચર્ચા છે કે બોર્ડ લગાડનાર કર્મચારીએ બેદરકારી દાખવી હશે પરંતુ તેની તપાસ અને દેખરેખ રાખનાર અધિકારીઓ પણ સ્થળની મુલાકાત લીધી ન હોવાનો આ બનાવ પરથી અંદાજ આવે છે. વાહન ચાલકો કહે છે કે દિશા સૂચક બોર્ડનો હેતુ લોકોને યોગ્ય માર્ગદર્શન આપવાનો હોય છે પરંતુ આવી બેદરકારીને કારણે તંત્રની કામગીરી અને બુધ્ધિ પર પ્રશ્નો ઊભા થાય છે, જેમકે બોર્ડમાં વિપરીત દિશા બતાવે છે. પોરબંદર રોડ ઉપર જવા વાળાને ધોરાજી રોડ બતાવે છે અને ધોરાજી રોડ ઉપર જવા ઇચ્છુકોને પોરબંદર રોડ બતાવે છે.

જેથી ખાસ કરીને બહારગામથી આવતા અજાણ્યા વાહન ચાલકો માટે આવા બોર્ડ ગેરસમજ ઊભી કરી શકે છે સ્થાનિકોએ માગ કરી છે કે તંત્ર તાત્કાલિક ઊંઘમાંથી જાગી સ્થળ પર પહોંચી બોર્ડમાં દિશા ચિન્હો બદલીને યોગ્ય કરાવે કે જેથી અજાણ્યા વાહન ચાલકો સાચી દિશાએ આગળ વધે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *