આ વર્ષે Ph.D કરવા વિદ્યાર્થીઓને છેલ્લી તક, 22મી સુધી રજિસ્ટ્રેશન

પીએચડી કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય કર્યો છે. યુનિવર્સિટીએ કરેલા નિર્ણયમાં જણાવાયું છે કે પીએચડી 2024-25 પ્રવેશ માટે ભૂતકાળમાં લેવાયેલ UGC- NET/GSET તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની PET પાસ તથા તાજેતરમાં ડિસેમ્બર-2024માં GSET પાસ કરી હોય તેવા તમામ વિદ્યાર્થીઓને માટે આજથી એટલે કે તા. 18થી 22 જાન્યુઆરી સુધી યુનિવર્સિટીનું PH.D. રજિસ્ટ્રેશન પોર્ટલ છેલ્લી તકના રૂપમાં ખોલવામાં આવશે.

પ્રથમ રાઉન્ડના અંતે જે-તે વિષયમાં જગ્યાઓ ખાલી છે તેના માટે જ રજિસ્ટ્રેશન કરી શકાશે. આ માટે આજે સવારે 10.30 કલાકથી યુનિવર્સિટીની વેબસાઈટ પર પ્રવેશ માટે રજિસ્ટ્રેશન શરૂ થશે. હવે પછીથી પીએચ.ડી.માં UGCના નવા નિયમ પ્રમાણે UGC-NET ફોર પીએચડી એડમિશન પાસ કરેલી હોય તેને જ એડમિશન આપવામાં આવશે. PET માન્ય રહેશે નહીં તેવો નિર્ણય યુનિવર્સિટીએ કર્યો છે.

અગાઉ 1 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચ.ડી.માં કુલ 26 વિવિધ વિષયોની ખાલી રહેલી 171 જગ્યા પર પ્રવેશ આપવા માટે કુલપતિની અધ્યક્ષતામાં મિટિંગ મળી હતી. જેમાં પણ ભૂતકાળમાં નેટ, જી-સેટ પાસ કરી હોય તેઓ તથા યુનિવર્સિટીની પેટ પરીક્ષા પાસ કરી હોય અને પરીક્ષાની વેલિડિટી પૂરી થઈ ન હોય તેવા વિદ્યાર્થીઓને માત્ર ચાલુ વર્ષ માટે પ્રવેશ માટે લાયક ગણ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *