રાજકોટના કોઠારીયા વિસ્તારમાં રહેતા લલિતભાઈ પીપળીયા (ઉં.વ.55) પોતાના ઘરે હતા ત્યારે એસિડ પી ગયા હતા. પરિવારજનોને જાણ થતા તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં લલિતભાઈ ફર્નિચર કામ કરતા હોવાનું સામે આવ્યું છે. જેમાં છેલ્લા કેટલાક સમયથી કામધંધો બરાબર ચાલતો ન હોવાથી સતત ચિંતામાં રહેતાં હતા જેથી આર્થિક ભીંસના કારણે આપઘાત કર્યો હોવાનું અનુમામ લગાવવામાં આવી રહ્યું છે.
સોની વેપારીનો પોતાની જ દુકાનમાં એસિડ પી આપઘાતનો પ્રયાસ રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર દેવપરા વિસ્તારમાં સોની વેપારીએ પોતાની જ દુકાનમાં એસિડ પી આપઘાતનો પ્રયાસ કરી લેતાં તેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. વિવેકાનંદનગરમાં સોની વેપારીએ આજે સવારે પોતાની જ દુકાનમાં અગમ્ય કારણોસર એસીડ પી લેતાં તેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પોલીસની પ્રાથમિક તપાસમાં સોની વેપારી બે ભાઈમાં મોટા અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું સામે આવ્યું છે. હાલ ભક્તિનગર પોલીસે સોની વેપારીનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કાળીપાટ પાસેથી PCBએ 300 બોટલ દારૂ ભરેલી કાર સાથે બેને ઝડપ્યા રાજકોટ PCBને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાજકોટ-ભાવનગર હાઈવે પર કાળીપાટ ચોકડી પાસે ત્રંબાથી રાજકોટ તરફ આવતા રોડ પર વોચ ગોઠવી હતી. ત્યાંથી પસાર થતી શંકાસ્પદ મારુતિ સ્વીફ્ટ કાર જીજે.13.એઆર.2867ને અટકાવી તપાસ કરતા તેમાંથી રૂ.93 હજારની 300 નાની-મોટી બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે પુછપરછ કરતા આરોપીએ પોતાનું નામ પિયુષ હુંબલ અને ભયલુ જળુ હોવાનું જણાવતા પોલીસે દારૂના જથ્થા સાથે બન્ને આરોપીની ધરપકડ કરી રૂ.5,93,420નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.