રાજકોટના વોર્ડ નંબર-2માં ગાંધીગ્રામ પોલીસ મથક હેઠળની 28 સોસાયટીઓમાં અશાંતધારાના અમલીકરણમાં તંત્રએ કરેલી ગંભીર ભૂલ આખરે ભાસ્કરના અહેવાલો અને વકીલોની રજૂઆત બાદ સુધારી લેવામાં આવી છે. મહેસૂલ વિભાગે 30 માર્ચ, 2026ના રોજ નવું નોટિફિકેશન બહાર પાડીને 17 જાન્યુઆરી, 2026ના અધૂરા જાહેરનામાને બદલી નાખ્યું છે. અગાઉના જાહેરનામામાં ‘સોસાયટીની 500 મીટરની ત્રિજ્યા’ એવી અસ્પષ્ટ જોગવાઈને કારણે કયો પ્લોટ કાયદા હેઠળ આવે છે અને કયો નહીં તે નક્કી કરવામાં અધિકારીઓની મનમાની ચાલતી હતી. આ ટેક્નિકલ ગૂંચવણને કારણે છેલ્લા કેટલાક સમયથી મિલકતોના દસ્તાવેજો અટકી પડ્યા હતા. આખરે મહેસૂલ વિભાગે 174 પેજનું વિગતવાર સુધારા નોટિફિકેશન પ્રસિદ્ધ કરીને 35થી વધુ રેવન્યુ સરવે નંબરો હેઠળના તમામ સિટી સરવે અને સીટ નંબરો સ્પષ્ટ દર્શાવ્યા છે.
મહેસૂલ વિભાગ દ્વારા ગાંધીગ્રામ વિસ્તારમાં અશાંતધારો આગામી 16 જાન્યુઆરી, 2031 સુધી અમલી બનાવવામાં આવ્યો છે. જોકે, સિટી સરવે નંબર વગરના અધૂરા જાહેરનામાને કારણે સબ-રજિસ્ટ્રાર કચેરીમાં સોફ્ટવેર દસ્તાવેજ સ્વીકારતું નહોતું. નવા નોટિફિકેશનથી હવે સોફ્ટવેરમાં પ્લોટવાર ડેટા અપડેટ થતાં જ મિલકતની નોંધણી પારદર્શક રીતે થઈ શકશે અને વચેટિયાઓ દ્વારા થતો ‘વહીવટ’ ખતમ થશે.