રાજકોટના મેયર ડો. નેહલ શુક્લએ રાજકીય ચર્ચાઓથી લઈને શહેરના ભવિષ્યના વિકાસ કાર્યો અને પ્રજાલક્ષી પ્રશ્નો સુધીના તમામ મુદ્દાઓ પર ખૂબ જ સ્પષ્ટતાથી વાત કરી હતી. મેયરે પોતાને છેલ્લી ઘડીએ મળેલી ચૂંટણીની ટિકિટ અને મીડિયામાં ચાલતી ચર્ચાઓનું સત્ય, શહેરમાં પાણીની વર્તમાન સ્થિતિ અને ભવિષ્યનું આયોજન, નવા જળાશયો ઊભા કરવાની અનિવાર્ય જરૂરિયાત તેમજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ પૂરતા કેટલાક પ્રોજેક્ટ્સને હોલ્ડ ઉપર મુકવા પાછળના ચોક્કસ વહીવટી કારણો અંગે દિલ ખોલીને જવાબો આપ્યા હતા. તેમજ ભવિષ્યમાં જળસંચયની જરૂરિયાત પર ખાસ ભાર મુકતા પોતાની કાર્યશૈલી અને આગામી સમયના આયોજનોની વિગતવાર રૂપરેખા રજૂ કરી હતી.
‘કરવા જેવા તમામ કામો કરવા’એ જ મુખ્ય વહીવટી અભિગમ મેયર તરીકેના પોતાના મુખ્ય વહીવટી અભિગમ અને પદ્ધતિ અંગે વાત કરતા ડો. નેહલ શુક્લએ જણાવ્યું હતું કે, મારો અભિગમ એકદમ સ્પષ્ટ, નિયમબદ્ધ અને પારદર્શક છે. જે કરવા જેવા સકારાત્મક અને લોકોપયોગી કામો છે તે બધા જ કામો આપણે કોઈ પણ પરિસ્થિતિમાં સત્વરે કરવાના જ છે અને જે કામો નિયમ વિરુદ્ધના અથવા ન કરવા જેવા છે તેમાંથી એકપણ કામ ક્યારેય કરવાના નથી. આ નિયમ મને પણ લાગુ પડે છે અને વહીવટી તંત્રના બીજા તમામ લોકોને તથા પદાધિકારીઓને પણ સમાન રીતે લાગુ પડે છે. મહાનગરપાલિકામાં અલગ-અલગ કુલ 39 વિભાગો કાર્યરત છે. અને રાજકોટ મ્યુ. કોર્પોરેશનની કુલ 15 જેટલી અલગ-અલગ સમિતિઓ છે. આ તમામ સમિતિઓ અને વહીવટી વિભાગો હેઠળ આવતી દરેક બાબતો અને પ્રજાલક્ષી પ્રશ્નો પર ભવિષ્યમાં પૂરતું ધ્યાન આપવામાં આવશે તેવો દાવો તેમણે કર્યો હતો.
ટિકિટ કપાવાની ચર્ચાઓ અને છેલ્લી ઘડીના નિર્ણયનું અસલી સત્ય ચૂંટણી સમયે પોતાને છેલ્લી ઘડીએ મળેલી ટિકિટ અને મીડિયામાં ચાલેલી વિવિધ ચર્ચાઓ ઉપર પણ સ્પષ્ટતા કરતા મેયર ડો. નેહલ શુક્લએ જણાવ્યું કે, મીડિયાના કેટલાક માધ્યમો દ્વારા એવી અવિરત ચર્ચા થઈ રહી છે કે મારી ટિકિટ કાપવામાં આવી હતી, પરંતુ વાસ્તવિકતા તેનાથી તદ્દન અલગ છે. કોર્પોરેટર તરીકે આ મારી બીજી ટર્મ છે. અગાઉની ટર્મમાં પણ હું રાજકોટનાં વોર્ડ નંબર 7 માંથી જ ચૂંટાયેલો સભ્ય હતો. અને આ વખતે પણ પક્ષે મારા પર પૂર્ણ ભરોસો મૂકીને મને તે જ વોર્ડમાંથી ઉમેદવારી કરવાની તક આપી છે. ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડ દ્વારા જાહેર કરાયેલી પ્રથમ યાદીમાં થોડો ટેકનિકલ સુધારો કરીને પાછળથી મારું નામ જાહેર કરવામાં આવ્યું હતું તે વાત હકીકત છે, પરંતુ તેને ટિકિટ કાપવા કે આંતરિક નારાજગી સાથે કોઈપણ સંબંધ નથી. પક્ષના આ નિર્ણયને સહર્ષ સ્વીકારીને અમે પ્રજાના કાર્યો માટે કટિબદ્ધ બન્યા છીએ.