અમદાવાદમાં કોમનવેલ્થ ક્યૂ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપનો પ્રારંભ

અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 7થી 10 ઓક્ટોબર દરમિયાન કોમનવેલ્થના 144 શ્રેષ્ઠ ક્યૂ સ્પોર્ટ્સ ખેલાડીઓ ટ્રોફી માટે એકબીજા સામે ટકરાશે. આ સાથે જ કોમનવેલ્થ ક્યૂ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપની બીજી સીઝનનો અમદાવાદમાં સત્તાવાર પ્રારંભ થયો છે. આ ઇવેન્ટની શરૂઆત 7 ઓક્ટોબરે ઓપનિંગ સેરેમની સાથે થશે, ત્યારબાદ 8થી 10 ઓક્ટોબર દરમિયાન મેચ રમાશે.

આ ચેમ્પિયનશીપમાં ઇંગ્લિશ બિલિયર્ડ્સ, સ્નૂકર, 10-બોલ પૂલ, હેબોલ અને બ્લેકબોલમાં 72 મેન્સ અને 72 વુમન્સ ભાગ લેશે, જેમાં લગભગ 42 કોમનવેલ્થ દેશોનું પ્રતિનિધિત્વ કરતા ખેલાડીઓ સામેલ છે. ચાર દિવસીય સ્પર્ધામાં 10 મેડલ ઇવેન્ટ્સ હશે અને આ પહેલીવાર છે જ્યારે આ પ્રતિષ્ઠિત મલ્ટી-ડિસિપ્લિન ચેમ્પિયનશિપ ભારતમાં યોજાઈ રહી છે.

ઇવેન્ટ પહેલાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં વર્લ્ડ કોનફેડરેશન ઑફ બિલિયર્ડ્સ સ્પોર્ટ્સ (WCBS)ના વાઈસ પ્રેસિડેન્ટ મુબારક અલ-ખયારીન; WCBSના બોર્ડ મેમ્બર ગ્રીટા સ્ટીનકેમ્પ; WCBSના એન્ટી-ડોપિંગ ડિરેક્ટર જેમ્સ લીસી; બિલિયર્ડ્સ એન્ડ સ્નૂકર ફેડરેશન ઑફ ઈન્ડિયા (BSFI)ના પ્રમુખ એસ. બાલસુબ્રમણ્યમ; BSFIના સેક્રેટરી સુનીલ બજાજ; ગુજરાત સ્નૂકર એન્ડ બિલિયર્ડ એસોસિયેશનના પ્રમુખ અભિષેક શાહ અને એપેક્સ સ્પોર્ટ્સના CEO અને સ્થાપક તથા ભારતીય ક્યૂ સ્પોર્ટ્સ ખેલાડી શિવમ અરોરા સહિત ક્યૂ સ્પોર્ટ્સ જગતના અન્ય અગ્રણીઓ હાજર હતા.

એપેક્સ સ્પોર્ટ્સ પ્રોમોશન દ્વારા આયોજિત અને વર્લ્ડ કોનફેડરેશન ઑફ બિલિયર્ડ્સ સ્પોર્ટ્સ (WCBS) તથા કોમનવેલ્થ સ્પોર્ટના સમર્થન હેઠળ બિલિયર્ડ્સ એન્ડ સ્નૂકર ફેડરેશન ઑફ ઈન્ડિયા (BSFI) દ્વારા આયોજિત આ ચેમ્પિયનશિપ ભારતીય ક્યૂ સ્પોર્ટ્સ માટે એક મહત્વપૂર્ણ ક્ષણ છે અને BSFIની શતાબ્દી ઉજવણીનો મુખ્ય હિસ્સો છે.

2025માં મોરિશિયસમાં યોજાયેલી પ્રથમ સીઝનમાં પાંચ મેડલ જીત્યા બાદ ભારત આ ચેમ્પિયનશિપમાં વિશ્વાસ સાથે ઉતરી રહ્યું છે. ડિફેન્ડિંગ કોમનવેલ્થ વુમન્સ હેબોલ ચેમ્પિયન વિદ્યા પિલ્લાઈ, મેન્સ હેબોલ સિલ્વર મેડાલિસ્ટ શિવમ અરોરા અને વુમન્સ 10-બોલ પૂલ સિલ્વર મેડાલિસ્ટ ચિત્રા મગિમાઈરાજ ભારતીય પડકારની આગેવાની કરી રહ્યા છે, આ ત્રણેય હોમ ગ્રાઉન્ડ પર પોતાના મેડલની સંખ્યામાં વધારો કરવા માંગશે.

ભારતીય ટુકડીનો સામનો ડિફેન્ડિંગ ચેમ્પિયન્સ અને વિશ્વસ્તરીય ખેલાડીઓ ધરાવતી મજબૂત આંતરરાષ્ટ્રીય ટીમ સામે થશે, જેમાં ઇંગ્લેન્ડની કેલી ફિશર, સાઉથ આફ્રિકાનો ક્રેગ બુવર, મલેશિયાનો લિમ કોક લીઓંગ, ઇંગ્લેન્ડની રેબેકા કેના અને વેલ્સનો ડેરેન મોર્ગન સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *