મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X માટે એક નવા ફીચરની જાહેરાત કરી છે. આ હેઠળ યુઝર લાઈક બટનને લાંબો સમય દબાવીને કોઈપણ યુઝર અથવા ક્રિએટરને 1 ડૉલર ટિપ તરીકે મોકલી શકશે. આ ટ્રાન્ઝેક્શન Xના પેમેન્ટ પ્લેટફોર્મ ‘X મની’ દ્વારા પૂર્ણ થશે.
આ ફીચર હાલમાં માત્ર અમેરિકાના X યુઝર્સ માટે જ ઉપલબ્ધ હશે.
મસ્કે X પર પોસ્ટ દ્વારા આ અંગેની માહિતી આપી હતી. તેમણે પોસ્ટમાં લખ્યું, ‘અમે X મની દ્વારા કોઈપણ વ્યક્તિને $1 મોકલવા માટે લાઈક બટન પર લાંબો સમય દબાવવાનો વિકલ્પ ઉમેરી રહ્યા છીએ.’
આ નવી સિસ્ટમમાં કોઈ પોસ્ટના ક્રિએટરને પૈસા મોકલવા માટે યુઝરે ફક્ત લાઈક બટનને લાંબો સમય દબાવી રાખવું પડશે. ત્યારબાદ X મનીના પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા 1 ડૉલર સીધો યુઝરના અકાઉન્ટમાંથી ટ્રાન્સફર થઈ જશે.
આ ફીચર યુઝર્સને કોઈ અલગ પેમેન્ટ પ્રક્રિયામાં ગયા વિના સીધા ક્રિએટરને સપોર્ટ કરવાની સરળ રીત આપે છે. જોકે, Xએ હજુ સુધી તેના રોલઆઉટની તારીખ અથવા પાત્રતાની શરતો જાહેર કરી નથી.
કંપનીએ એ પણ સ્પષ્ટ કર્યું નથી કે ડિફોલ્ટ $1ની રકમ બદલી શકાશે કે નહીં અથવા ભવિષ્યમાં વધારાના પેમેન્ટ વિકલ્પો ઉપલબ્ધ થશે કે નહીં.