સુરતના ડિંડોલી વિસ્તારમાં સંબંધોની વિકૃતિ અને ત્રિકોણીય પ્રેમપ્રકરણમાં એક આધેડની ઘાતકી હત્યાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. ભાડાના મકાનમાં રહેતા અને કલરકામ કરતા 50 વર્ષીય આધેડની મોઢા પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી તેમજ ગળું દબાવીને કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનામાં મૃતકની સાથે પત્ની તરીકે રહેતી મહિલા, તેનો અસલી પતિ અને પુત્ર હત્યાને અંજામ આપી રૂમ બહારથી લોક કરી ફરાર થઈ ગયા હોવાનું બહાર આવ્યું છે.
દુર્ગંધ આવતાં મકાનમાલિકે તપાસ કરાવી, તાળું તોડતાં લાશ મળી
ડિંડોલી સાંઈ પોઈન્ટ પાસે આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રિક્ષાચાલક શ્રીકાંત ઉદયરાજ તિવારીના મકાનમાં ઉપરના માળે મૂળ મધ્યપ્રદેશના સતના જિલ્લાના વતની રાજેશ રામસ્વરૂપ મિશ્રા (ઉં.વ. 50) છેલ્લા છ મહિનાથી 2 હજાર રૂપિયાના માસિક ભાડે રહેતા હતા. ગત 23 ઓક્ટોબરની સવારે ઘરમાંથી અસહ્ય દુર્ગંધ આવતાં મકાનમાલિકને શંકા ગઈ હતી, જેથી તેમણે રાજેશના કોન્ટ્રાક્ટર શેઠ આશિષભાઈ અને તેના પરિચિતોને જાણ કરી હતી. પોલીસની હાજરીમાં રૂમનું તાળું તોડવામાં આવતાં અંદરથી રાજેશ મિશ્રાનો કોહવાયેલી અને ફૂલેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી.
મોઢા પર ઘા, ગળા અને છાતી પર કાળા ડાઘ
ઘટનાસ્થળે પહોંચેલી પોલીસની પ્રાથમિક તપાસમાં રાજેશના મોઢાના જમણી બાજુના ભાગે તીક્ષ્ણ હથિયારના ઊંડા ઘા મારવામાં આવ્યા હોવાનું અને લોહી જામી ગયેલું જોવા મળ્યું હતું. આ ઉપરાંત ગળા તથા છાતીના ઉપરના ભાગે કાળા નિશાન દેખાતા હોવાથી હથિયારના ઘા મારવાની સાથે ગળું દબાવીને હત્યા કરાઈ હોવાની શંકા ગઈ. મકાનમાલિકના જણાવ્યા મુજબ, 20 ઓક્ટોબરની રાત્રે રૂમમાંથી ઝઘડાનો અવાજ આવ્યો હતો. ત્યારથી 23 ઓક્ટોબરની સવાર વચ્ચેના સમયગાળામાં આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો.
જેને પત્ની કહીને રાખતો હતો, તેનો અસલી પતિ પણ ઘરમાં જ રહેતો હતો
પોલીસ અને સ્થાનિક સૂત્રો પાસેથી મળેલી ચોંકાવનારી વિગત મુજબ, રાજેશ મિશ્રા જ્યારે ભાડે રહેવા આવ્યો, ત્યારે તેની સાથે રહેતી રાજાબાઈ ઉર્ફે રાણી નામની મહિલાને પોતાની પત્ની તરીકે ઓળખાવી હતી. આ રૂમમાં તેમની સાથે રામપ્રસાદ અને ગોલુ નામના બે વ્યક્તિ પણ રહેતા હતા. જોકે સમગ્ર મામલાની અંદરની હકીકત એવી બહાર આવી કે રાજાબાઈ અને રાજેશ વચ્ચે અનૈતિક પ્રેમસંબંધ હતો, જ્યારે સાથે રહેતો રામપ્રસાદ હકીકતમાં રાજાબાઈનો કાયદેસરનો પતિ અને ગોલુ તેમનો પુત્ર હતો. એક જ છત નીચે પ્રેમી, પ્રેમિકા, અસલી પતિ અને પુત્ર સાથે રહેતા હોવાથી રોજબરોજ ઉગ્ર વિવાદો થતા હતા.