દેશભરમાં હાલ ગણપતિ મહોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજકોટ શહેરમાં પણ ઠેર-ઠેર દુંદાળા દેવનું સ્થાપન કરવામાં આવ્યું છે. આગામી 17 સપ્ટેમ્બરનાં રોજ શ્રીજીનું વિસર્જન કરવામાં આવનાર છે. આ દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. જેમાં રાજકોટમાં 8 સ્થળે વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ તમામ સ્થળે લોકોની સલામતી માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં અવનાર છે. આ પ્રસંગે અન્ય સ્થળોએ વિસર્જન ન કરવાની અપીલ પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે.
આ તમામ સ્થળોએ ગણેશજીની પ્રતિમાઓના વિસર્જન માટે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખાએ ખાસ વ્યવસ્થા ઉભી કરી છે. જેમાં સલામતિની દ્રષ્ટીએ આઠેય સ્થળોએ ક્રેન, રેસ્ક્યૂ બોટ, એમ્બ્યુલન્સ અને લાઇફ બોયા, લાઇફ જેકેટ સાથે સ્ટેશન ઓફિસર, લિડિંગ ફાયરમેન, ફાયરમેન સહિત વ્યક્તિઓનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. તેમજ દરેક સ્થળે બેરીકેડ લગાવી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખા દ્વારા વિસર્જન કરવામાં આવશે. લોકોને તેમના હાથે વિસર્જ કરવા દેવામાં આવશે નહી.