રાજકોટની PDM માલવીયા કોલેજ ફાટકના રસ્તે બે છેડે ‘ઝેડ’ આકારનો અંડરબ્રિજ બનાવવાનો નિર્ણય ઘણા સમય અગાઉ લેવાયો હતો. આ માટે ગત ઓગષ્ટ મહિનામાં જ રાજ્ય સરકાર દ્વારા રૂ. 40.86 કારોડની ફાળવણી કરાઈ હોવાનું પણ ધારાસભ્ય ટીલાળાએ જાહેર કર્યું હતું. જો કે ચૂંટણીઓનાં કારણે આ પ્રક્રિયા અટકી હતી. ત્યારે હવે મનપા દ્વારા ફરીથી અંડરબ્રિજ બનાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં LOPનો સર્વે, ટેન્ડર પ્રક્રિયા અને રેલવેની મંજૂરી સહિત જુદી-જુદી કામગીરી હાથ ધરવામાં આવી છે. બ્રિજની ડિઝાઇન પણ દિવ્યભાસ્કર પાસે આવી ચૂકી છે.
રાજકોટનો સૌથી લાંબો અંડરબ્રિજ બનશે પ્રાપ્ત વિગત મુજબ રાજકોટને ફાટક મુક્ત બનાવવાની દિશામાં વધુ એક મોટું પગલું લેવામાં આવ્યું છે. શહેરના મુખ્ય માર્ગો ગોંડલ રોડ અને ઢેબર રોડને જોડતા PDM રેલવે ફાટક નીચે રૂ.50 કરોડના અંદાજિત ખર્ચે કુલ 700 મીટર લંબાઈનો અંડરબ્રિજ બનાવવાની યોજનાને સરકારના GUDM (ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશન) વિભાગે સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. આ અંડરબ્રિજ રાજકોટનો સૌથી લાંબો અંડરબ્રિજ બનશે, જે પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીના કાર્યકાળમાં શરૂ કરાયેલા ફાટક મુક્ત રાજકોટ અભિયાનને આગળ ધપાવશે. આ અંડરબ્રિજ બનતા હજારો લોકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે.
રાજકોટ મહાનગરપાલિકા અને રેલવે વિભાગે શહેરની મધ્યમાં આવતા આ રેલવે ફાટક પર ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે આ પ્રોજેક્ટને પ્રાથમિકતા આપી છે. આ પ્રોજેક્ટ માટે ગત વર્ષે રાજ્ય સરકારે 40 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી. તાજેતરમાં ધારાસભ્ય રમેશ ટીલાળાએ પણ આ અંડરબ્રિજ ઝડપથી બનશે એવી જાહેરાત કરી હતી. ત્યારે હવે GUDM વિભાગની સૈદ્ધાંતિક મંજૂરી બાદ પ્રોજેક્ટને આગળ વધારવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.