સુરતના ન્યૂ વીઆઈપી રોડ વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાના એક કથિત કર્મચારીને સ્થાનિક લોકો અને ફેરિયાઓએ ઘેરીને માર માર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. નશાની હાલતમાં આવીને રોજ પૈસાની માંગણી અને હેરાનગતિ કરતા હોવાના ગંભીર આક્ષેપો સાથે લોકોએ કથિત કર્મચારીનો કોલર પકડીને બે તમાચા ઝીંકી દીધા હતા. હાલ આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં અલથાન પોલીસે તપાસ શરૂ કરી છે.
મહિલા ફેરિયાએ નશામાં હોવાનો અને હપ્તા માંગવાનો આક્ષેપ કર્યો
વાઇરલ થયેલા વીડિયોમાં રસ્તા પર બેસીને વસ્તુઓ વેચતી એક મહિલા ફેરિયાએ આ કથિત કર્મચારી સામે આક્ષેપ કર્યો હતો કે, આ વ્યક્તિ નશાની હાલતમાં છે અને રોજ આવીને પૈસાની માંગણી કરી હેરાન કરે છે. મહિલાએ આક્રોશ સાથે કહ્યું કે, પીને આવવાનો આ કોઈ ટાઈમ નથી, ભલે પછી તે સાહેબ કેમ ન હોય. આ દરમિયાન ત્યાં હાજર અન્ય એક વ્યક્તિએ પણ આક્ષેપ કર્યો હતો કે, આ શખસ એસએમસીના યુનિફોર્મમાં આવીને ગરીબ ફેરિયાઓને લૂંટવાનું કામ કરે છે, જે બાદ લોકોએ તેની પાસે ઓળખપત્ર (આઈ-કાર્ડ)ની માંગણી કરી હતી.