ગુજરાતમાં સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન અંતર્ગત રાજકોટ જિલ્લામાં 23.91 લાખ મતદારોની ડ્રાફ્ટ મતદારયાદી જાહેર કરવામાં આવ્યા બાદ હવે વર્ષ 2002ની મતદારયાદીમાં જેમનું નામ મેચ થયું નથી એવા 2,52,512 મતદારોને શોધી રૂબરૂ હાજર કરવાનું દબાણ બુથ લેવલ ઓફિસર પર કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત દરરોજ નવી સૂચનાઓ આપી પરેશાન કરવામાં આવતા હોવાથી BLOની કામગીરીમાં રોકાયેલા રાજકોટની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 600 શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા છે, જેને લઈને આજે તેઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને તમામ વિધાનસભામાં એકસરખી રીતે સૂચના આપી કામગીરી કરાવવામાં આવે તેવી માંગણી કરી હતી.
મતદારોને નોટિસ બાદ રૂબરૂ હાજર કરવા માટેનું દબાણ BLO પર શિક્ષક ધવલ શેખલિયાએ જણાવ્યુ હતુ કે, રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 600 શિક્ષકો SIR અંતર્ગત BLO ની કામગીરીમાં છેલ્લા બે મહિનાથી રોકાયેલા છે, જેના કારણે વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે. જે કામગીરીનો પણ વિરોધ નથી પરંતુ, તેમાં અલગ-અલગ વિધાનસભાવાઈઝ જુદા નિયમોથી સમસ્યા છે. જેમાં 2002ની મતદારયાદી સાથે જેમના નામ મેચ થયા નથી, તેમનો લિવિંગ સર્ટિફિકેટનું પુરાવો અગાઉ માન્ય રાખવામાં આવ્યો હતો પરંતુ, હવે તે માન્ય નહીં રહે એવું જાહેર કરાયું છે અને મતદારોને નોટિસ બાદ રૂબરૂ હાજર કરવા માટેનું દબાણ BLO પર કરવામાં આવે છે. આ ઉપરાંત મતદારોના ઘરે બીજી વખત ડોક્યુમેન્ટ લેવા માટેનું કહેવામાં આવતા રોષનો ભોગ બુથ લેવલ ઓફિસર બની રહ્યા છે.
શિક્ષકોને 9 મુદ્દાઓને લઈને પડતી મુશ્કેલી દૂર કરવા માટેની માંગણી રાજકોટ જિલ્લા કલેકટરને રજૂઆતમાં જણાવ્યું હતું કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 600થી વધુ શિક્ષકો રાજકોટની પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારમાં BLO તરીકે ફરજ બજાવી રહ્યા છે. રાજ્ય ચૂંટણીપંચ અને જીલ્લા ચુંટણી અધિકારી દ્વારા વખતોવખત સોંપવામાં આવતી આ તમામ કામગીરી અમારા શિક્ષણ કાર્ય ઉપરાંતની કામગીરી હોવા છતાં ખૂબજ નિષ્ઠાથી કરી રહ્યા છીએ. આ કામગીરી દરમિયાન શિક્ષકોને 9 મુદ્દાઓને લઈને પડતી મુશ્કેલી દૂર કરવા માટેની માંગણી છે.