રાજકોટની સિલ્વર ગોલ્ડ રેસિડેન્સીમાં બાળાઓને સોનું અને બાળકોને ચાંદીની ભેંટ

રાજકોટમાં હાલ નવરાત્રીનો પાવન પર્વ ખૂબ જ ઉત્સાહ, ઉમંગ અને આસ્થા સાથે ઉજવાઈ રહ્યો છે, જેમાં સૌકોઈ જુદી-જુદી રીતે માતાજીની આરાધના કરી રહ્યા છે. શહેરનાં નાનામૌવા રોડ પર આવેલી સિલ્વર ગોલ્ડ રેસિડેન્સી ખાતે એક અનોખી ગરબીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં પ્રાચીન અને અર્વાચીન સંસ્કૃતિનો અદ્ભુત સમન્વય જોવા મળી રહ્યો છે. નવરાત્રીનાં ચોથા નોરતે અહીં વિશેષરૂપે શ્રીનાથજીની આકર્ષક ઝાંખી રજૂ કરવામાં આવી હતી, જેને નિહાળી રાજકોટનાં મેયર ડો. નેહલ શુક્લ તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા મંત્રમુગ્ધ થયા હતા. આ સાથે જ બાળાઓએ પરંપરાગત તાલે રાસની રમઝટ બોલાવી હતી. અહીં ભાગ લેનારી તમામ બાળાઓને સોનું અને બાળકોને ચાંદીની ભેંટ આપવામાં આવે છે.

સોસાયટીનાં પ્રમુખ રાજુભાઈ સાવલિયાનાં જણાવ્યા મુજબ, અહીં છેલ્લા 19 વર્ષથી ખૂબ જ ભવ્યતાપૂર્વક આ ગરબીનું આયોજન કરવામાં આવે છે. આ ગરબીનું મુખ્ય અને વિશેષ આકર્ષણ શ્રીજીની ઝાંખી છે, જે અદભુત બાળાઓ દ્વારા સુંદર રીતે તૈયાર કરીને પ્રસ્તુત કરવામાં આવે છે. સોસાયટી દ્વારા દર વર્ષે ગરબીમાં ઉત્સાહભેર ભાગ લેતી બધી બાળાઓને સોનાની અને બાળકોને ચાંદીની લહાણી આપવામાં આવે છે. આ અનોખા આયોજનને માણવા માટે આજુબાજુની સોસાયટીઓમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે અને આ ઉત્સવનો આનંદ માણે છે. આજે મેયર અને સ્ટે. ચેરમેને પણ સમગ્ર આયોજન નિહાળી પ્રશંસા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *