સૌની યોજના મારફત પાણીની સમસ્યા દૂર કરવા માટે સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓમાં નર્મદાના નીર ઠલવવામાં આવે છે. જેમાં પણ રાજકોટ શહેરમાં સામાન્ય રીતે ઉનાળા દરમિયાન નર્મદાના નીર આજી ડેમમાં ઠાલવવામાં આવે છે પરંતુ, આ વખતે રાજકોટ શહેરમાં વરસાદ ખેંચાતા ભર ચોમાસે નર્મદાના નીરની જરૂર પડી ગઈ છે. જેથી, આજે નર્મદા મૈયાના નીરના આજી-1 ડેમ ખાતે આગમનને આવકારવા રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને ધારાસભ્ય સહિતના ઉમટી પડયા હતા. આજી-1 ડેમમાં 400 એમ.સી.એફ.ટી. તેમજ ન્યારી-1 ડેમમાં 350 MCFT પાણી નર્મદા મૈયાના નીરથી ઠલવાશે.
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું કે, શહેરમાં પાણીની અછત ઉદભવે નહિ, પાણી કાપ ન આવે, પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાય નહી તે હેતુસર, સરકારમાં આજી-1 ડેમ માટે 400 MCFT તથા ન્યારી-1 માટે 350 MCFT નર્મદા નીરની માંગણી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી. જેના અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની નર્મદા પાણીની માંગણી ખૂબ જ ટુંકા સમયગાળામાં મંજૂર કરી પાણીની ફાળવણી કરેલ છે. જે અંતર્ગત આજે પ્રથમ આજી-1 ડેમ ખાતે નર્મદા મૈયાના નીરનું આગમન થયેલ છે જેને રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ હર્ષભેર આવકારે છે.