રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદને કારણે ભાદર-2 જળાશયમાં પાણીની આવક સતત વધી રહી છે. હાલ ડેમ 70 ટકા જેટલો ભરાઈ ગયો હોવાથી જળસપાટી નિયંત્રણમાં રાખવા માટે વહીવટી તંત્ર દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગમે ત્યારે ડેમમાંથી પાણી છોડવાની શક્યતા છે.
તંત્ર દ્વારા ભાદર-2 ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ધોરાજી, ઉપલેટા અને કુતિયાણા તાલુકાના ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. જરૂર જણાય તો તાત્કાલિક સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા પણ જણાવાયું છે. ખાસ કરીને ધોરાજીના ભોળા, કુતિયાણાના ભોગસર તેમજ ઉપલેટાના ડુમિયાણી ગામના લોકોને વહેલી તકે સલામત સ્થળે ખસી જવા આદેશ અપાયો છે.
રાજકોટ, પોરબંદર અને જૂનાગઢ જિલ્લાના આશરે 35થી વધુ ગામો માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ ચેતવણી સંદેશ (એલર્ટ) જાહેર કરવામાં આવ્યો છે. ધોરાજીના ભોલગામડા, સુપેડી તેમજ ઉપલેટા, કુતિયાણા, માણાવદર અને નવી બંદર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતત સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
ભાદર-2 ડેમની પૂર્ણ સપાટી 53.10 મીટર છે, જેની સામે હાલ પાણીનું સ્તર 50.35 મીટર સુધી પહોંચ્યું છે. ડેમમાં હાલમાં સતત 754 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે, જેના કારણે પરિસ્થિતિ પર તંત્ર સતત નજર રાખી રહ્યું છે.
ફ્લડ કંટ્રોલ સેલ દ્વારા નદીના પટ, કાંઠા તેમજ ડેમની આસપાસના વિસ્તારમાં કોઈપણ વ્યક્તિને અવરજવર ન કરવા કડક સૂચના આપવામાં આવી છે. સાથે જ નીચાણવાળા વિસ્તારોના લોકોને તંત્રની સૂચનાઓનું પાલન કરવા, અફવાઓથી દૂર રહેવા અને કોઈપણ કટોકટીની સ્થિતિમાં સ્થાનિક વહીવટી તંત્રનો તાત્કાલિક સંપર્ક કરવા અપીલ કરાઈ છે.