PDU હોસ્પિટલના હેલ્પ ડેસ્કે નિરાધાર વૃદ્ધને રોગમુક્ત કરી આશ્રમમાં આશરો આપ્યો

રાજકોટ સ્થિત PDU સિવિલ હોસ્પિટલમાં તબીબી અધિક્ષક મોનાલી માંકડિયા, RMO હર્ષદ દૂસરા તથા HR મેનેજર ભાવનાબેન સોનીની આગેવાની હેઠળ કાર્યરત હેલ્પ ડેસ્ક નિરાધાર દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. તાજેતરમાં તા. 28-07-2026ના રોજ TBCD વોર્ડમાં દાખલ થયેલા નારણ નાનજી વાઘેલા નામના દર્દીને HOD ઘનશ્યામ, એસોસિએટ પ્રો. ભૂમિકા પટેલ, AP તન્મય, સિનિયર ડોક્ટર સિદ્ધરાજ, રેસીડેન્ટ ડોક્ટર સૌરવ તેમજ પ્રજેશ સર સહિતના તબીબો અને નર્સિંગ સ્ટાફની યોગ્ય સંભાળથી ટીબીમુક્ત કરાયા હતા.

તબીબી રીતે સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. ડિસ્ચાર્જ બાદ પરિવારજનોએ નારણભાઈને સાથે રાખવાનો ઇનકાર કરી દેતાં તેમની સુરક્ષા અને આશ્રયનો પ્રશ્ન ઊભો થયો હતો. આ વિષમ પરિસ્થિતિમાં હેલ્પ ડેસ્ક અને TBCD વોર્ડની ટીમે સામાજિક જવાબદારી નિભાવી વૃદ્ધના પુનર્વસન માટે તજવીજ હાથ ધરી હતી. આ માનવતાવાદી કામગીરીના ભાગરૂપે રસ્તે રઝળતા અને સ્વજનોથી વંચિત આ દર્દીને સારવાર આપી રોગમુક્ત કર્યા બાદ વાંકાનેર આશ્રમમાં સુરક્ષિત આશરો અપાયો હતો.

સ્માર્ટ સિટી રાજકોટમાં દૂષિત પાણીનું દુષણ, 6 મહિનામાં 5293 ફરિયાદો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં દૂષિત પાણીનું વિતરણ થતાં છેલ્લા માત્ર 6 મહિનામાં 5293 ફરિયાદો નોંધાઈ છે. આ સમસ્યાને કારણે શહેરમાં પાણીજન્ય અને વાયરલ રોગચાળો વકર્યો છે, જેમાં સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં ઝાડા-ઊલટી, ટાઈફોઈડના અને કમળાનાં કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તો ખાનગી હોસ્પિટલોમાં આવતા દર 10 દર્દીઓમાંથી 4 દર્દીઓ મરડો તથા ઝાડા-ઊલટીથી પીડાતા હોવાનું પણ સામે આવ્યું છે. પાઈપલાઈનમાં મોટા પાયે લીકેજને કારણે પાણીમાં જોખમી બેક્ટેરિયાનું પ્રમાણ વધી જતાં 37 સોસાયટીઓમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા આ સમસ્યા દૂર કરવા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે.

તાજેતરમાં જનરલ બોર્ડમાં અપાયેલા સત્તાવાર જવાબ મુજબ સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો વેસ્ટ ઝોનના છે. લાઈન લીકેજની ફરિયાદો અંગે વોર્ડ નંબર 18માં સૌથી વધુ 364 ફરિયાદો નોંધાઈ છે. મનપાના આરોગ્ય વિભાગ અને વોટર વર્ક્સ વિભાગ દ્વારા સ્થિતિ પર કાબૂ મેળવવા માટે દૂષિત પાણી આવતું હોય તેવા તમામ વિસ્તારોમાંથી રેન્ડમલી સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જર્જરિત અને લીકેજ ધરાવતી પાઈપલાઈનોનું સમારકામ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, અસરગ્રસ્ત સોસાયટીઓમાં ક્લોરીનેશનની પ્રક્રિયા વધારવા, લોકોને ઉકાળેલું પાણી પીવાની સલાહ આપવા સહિતનાં પગલાં લેવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *