મનપાના ફૂડ વિભાગે પાંચ એકમને સીલ કર્યાં, 47 સ્થળે ચેકિંગ કરી 50 કિલો વાસી ખોરાકનો નાશ

પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે રાજકોટ મનપાના ફૂડ વિભાગ દ્વારા ફરાળી અને અન્ય ખાદ્યચીજોનું વેચાણ કરતા એકમો પર ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન ગંભીર બેદરકારી, અખાદ્ય સામગ્રી અને ગંદકી જણાતા ‘જય રામનાથ ચાઇનીઝ & પંજાબી’, ‘હરેકૃષ્ણ રેસ્ટોરન્ટ એન્ડ ફૂડ પાર્સલ’, ‘ૐ સાંઈ ચાઇનીઝ પાઉંભાજી રેસ્ટોરન્ટ’ અને ‘એન્જલ ચાઇનીઝ પંજાબી’ એમ 4 પેઢીઓને સીલ કરવામાં આવી છે.

ફૂડ વિભાગની ટીમે શહેરમાં ફરાળી વાનગીમાં વપરાતી સામગ્રી, જેવી કે સ્ટાર્ચ-ફરાળી અને અન્ય ફરાળી રો-મટિરિયલ ગુણવત્તાયુક્ત હોય તે સુનિશ્ચિત કરવા અર્થે 47 વેપારી એકમની સઘન તપાસ કરી 50 કિલો અખાદ્ય ખોરાકનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.

મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફરાળી અને અન્ય ખાદ્યચીજોનું વેચાણ કરતા એકમોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ દરોડા દરમિયાન વિવિધ સ્થળોથી આરોગ્ય માટે હાનિકારક અને વાસી 50 કિલો અખાદ્ય ખોરાકના જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. તો નિયમોનું ઉલ્લંઘન કરનાર 5 પેઢીને સ્ટોરેજ, લાયસન્સ અને હાઈજેનિક કન્ડિશન જાળવવા નોટિસ ફટકારવામાં આવી છે. વહીવટી કાર્યવાહીના ભાગરૂપે કસૂરવારો પાસેથી ₹17,000નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે. ઉપરાંત ખાદ્યપદાર્થોની ચકાસણી અર્થે 4 ફરાળી પેટીસ અને ફરાળી લોટના નમૂના લઈ તેને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *