સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 59મો પદવીદાન સમારંભ તા.29 ડિસેમ્બરના રવિવારે સવારે 11 કલાકે યોજાશે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને યોજાનારા કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીની 14 વિદ્યાશાખાના 40,015 દીક્ષાર્થીને પદવીઓ તથા 123 ગોલ્ડમેડલ તથા 218 પ્રાઈઝ એનાયત કરવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ કમલસિંહ ડોડિયાના માર્ગદર્શન હેઠળ પદવીદાન સમારોહને સફળ બનાવવા માટે જુદી જુદી સમિતિઓ બનાવી છે. 13 વિદ્યાશાખાના 109 વિદ્યાર્થીને કુલ 123 ગોલ્ડ મેડલ એનાયત થશે. જે વિદ્યાર્થીઓને ડિગ્રી આપવાની છે તેમાં સૌથી વધુ આર્ટસ ફેકલ્ટીના 11879 અને કોમર્સ ફેકલ્ટીમાં 11478 વિદ્યાર્થી છે.
આ પદવીદાન સમારોહમાં ગોલ્ડમેડલ મેળવનાર કુલ 123 દીક્ષાર્થીમાં 39 વિદ્યાર્થી તથા 84 વિદ્યાર્થિની સામેલ છે. જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજની વિદ્યાર્થિની રામચંદાણી તારિકાને MBBSમાં સૌથી વધુ 4 ગોલ્ડમેડલ અને 3 પ્રાઈઝ, ગાંધી ઝોહરને MBBSમાં 3 ગોલ્ડમેડલ અને 7 પ્રાઈઝ, પ્રભાબેન પટેલ કોલેજ, મોરબીની વિદ્યાર્થિની વ્યાસ દેવાંગીને એલ.એલ.બી. માં 3 ગોલ્ડમેડલ અને 6 પ્રાઈઝ, મોંઘીબા મહિલા આર્ટસ કોલેજ, અમરેલીની વિદ્યાર્થિની ડાભી ભૂમિકાબેનને બી.એ. ગુજરાતીમાં 3 ગોલ્ડમેડલ તથા 2 પ્રાઈઝ એનાયત થશે.