રાજકોટના રૈયામાં આંબેડકર જયંતી ઉજવણી દરમિયાન ઝઘડો: ઈંટમારો, પાઈપથી હુમલો

રાજકોટમાં સોમવારની રાત્રે લગભગ 12 વાગ્યાની આસપાસ કેક કટિંગ કાર્યક્રમ દરમિયાન ધર્મેન્દ્ર જાદવ અને મહેન્દ્ર જાદવે સંજયભાઈને ગાળો આપતા વિવાદ શરૂ થયો હતો. ગાળો આપવા રોકતા અન્ય લોકો પણ ઉશ્કેરાઈ ઝઘડામાં જોડાયા હતા. બાદમાં પ્રવીણભાઈ પોતાના ઘરે પરત ફર્યા ત્યારે આરોપીઓ સ્કૂટર પર ત્યાં આવી ફરી ગાળો આપી ઝઘડો કરવા લાગ્યા હતા.

આ દરમિયાન ઘરના સભ્યો બહાર આવતા આરોપીઓએ ઈંટોના કટકાઓ ફેંકવાના શરૂ કર્યા હતા. હુમલામાં પ્રવીણભાઈ અને તેમના પિતાને ઇજાઓ પહોંચી હતી. વધુમાં, કૌશલ જાદવે લાકડાંના બેટથી હુમલો કર્યો હતો. ઝઘડો શમાવવા વચ્ચે પડેલા નીતિન મેરિયાને રોહિત ડાંગરે લોખંડના પાઈપ વડે માથામાં ઘા મારતા તે લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. તેની બહેનને પણ પગમાં ઈજા પહોંચી હતી. આસપાસના લોકો ભેગા થતાં હુમલાખોરો ફરાર થઈ ગયા હતા.

ઇજાગ્રસ્તોને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી નીતિનને માથામાં હેમરેજની આશંકા હોવાથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે રોહિત ડાંગર, કૌશલ જાદવ, હિરેન સોલંકી, પ્રદીપ સોલંકી, ધર્મેશ જાદવ અને મહેન્દ્ર જાદવ સામે મારપીટ અને રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *