પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા રેલ વ્યવહારની સુરક્ષા વધુ મજબૂત કરવાના હેતુથી જામનગર રેલવે યાર્ડમાં વિન્ડમિલ લાઇનના ફોર્સ્ડ ટ્રેક લેઆઉટમાં ખાસ મહત્વપૂર્ણ સુધારાત્મક કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ સુધારાના પરિણામે ભવિષ્યમાં ટ્રેન પાટા પરથી ઉતરી જવાના સંભવિત જોખમો ઘટશે અને મુસાફરોની મુસાફરી વધુ સુરક્ષિત બનશે. બીજી તરફ, રેલવેના વાણિજ્ય વિભાગમાં વર્ષ 2025-26 દરમિયાન પ્રશંસનીય કામગીરી કરવા બદલ રાજકોટ ડિવિઝનના 5 કર્મચારીઓને ‘PCCM એવોર્ડ’ થી સન્માનિત કરવામાં આવ્યા છે.
જામનગર યાર્ડમાં ટ્રેકનો જટિલ વળાંક સીધો કરાયો રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાએ જણાવ્યા મુજબ, જામનગર યાર્ડમાં પોઇન્ટ નંબર 107ની આગળ વિન્ડમિલ લાઇન તરફ ટ્રેકના એક ભાગમાં સતત વળાંક હોવાને લીધે લેઆઉટ અત્યંત જટિલ હતો અને ભૂતકાળમાં ત્યાં ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટના પણ બની હતી. આ બાબતને ધ્યાને લઈ રિવર્સ કર્વને અંદરની તરફ સ્થાનાંતરિત કરી ટ્રેપ પોઇન્ટને રાજકોટ તરફ શિફ્ટ કરવામાં આવ્યો છે. આ ફેરફારથી અનાવશ્યક વળાંકો સીધા થઈ જતાં ટ્રેકની જ્યોમેટ્રી સંતુલિત અને સુદ્રઢ બની છે.
આ કામગીરી જામનગર યાર્ડના ડબલિંગ કાર્ય દરમિયાન ઉપલબ્ધ સમયગાળામાં યોગ્ય સમન્વય સાધીને પૂર્ણ કરવામાં આવી હતી, જેથી રેલ વાહનવ્યવહાર પર તેની કોઈ વિપરીત અસર પડી ન હતી. વળાંકની ડિગ્રી ઓછી થવાથી ભવિષ્યમાં ટ્રેક મેન્ટેનન્સનો ખર્ચ અને પ્રયાસો પણ ઘટશે. રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલ પ્રબંધક (DRM) ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે મુસાફરોની સુરક્ષા રેલવે માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને આવા સંવેદનશીલ સ્થાનોની ઓળખ કરીને સુધારાત્મક કામગીરી નિરંતર ચાલુ રાખવામાં આવશે.