MBBS કરતા એકના એક પુત્રએ જીવન ટૂંકાવ્યું

રાજકોટ શહેરના કોઠારીયા ચોક નજીક સુખરામનગરમાં રહેતા અને MBBSનો બીજા વર્ષમાં અભ્યાસ કરતા એક 26 વર્ષીય ધર્મેશ વીરડાએ આત્મહત્યા કરી લીધી છે. પરીક્ષામાં ATKT આવતા જાતે જ પેટમાં તલવાર ઘુસાડીને મોત વ્હાલું કર્યું છે. વીરડા પરિવારના એકના એક પુત્રએ ભરેલા આ પગલાંથી પરિવારમાં કલ્પાંત છવાઈ ગયો છે. આ મામલે ભક્તિનગર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ ખસેડ્યો હતો.

માતાજીના મંદિરમાં રાખેલી તલવાર જાતે જ પેટમાં મારી દીધી
ધર્મેશ હરીશભાઈ વીરડા ગઈકાલે સાંજે પોતાના ઘરે હાજર હતો ત્યારે અચાનક ઘરમાં આવેલા માતાજીના મંદિરમાં રાખેલી તલવાર કાઢીને પોતાના પેટમાં મારી દીધી હતી. લોહીલુહાણ હાલતમાં ઢળી પડેલા ધર્મેશને જોઈને પરિવારજનોના હોશ ઉડી ગયા હતા. ત્યાર બાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને લોહીલુહાણ હાલતમાં નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે, ગંભીર ઈજાઓને કારણે ટૂંકી સારવાર દરમિયાન જ તેનું મોત નીપજ્યું હતું.

તબીબે ધર્મેશને મૃત જાહેર કરી પોલીસને જાણ કરતા ભક્તિનગર પોલીસનો કાફલો તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, મૃતક ધર્મેશ વર્ષ 2022માં MBBSના સેકન્ડ વર્ષમાં અભ્યાસ કરતો હતો. તે દરમિયાન પરીક્ષામાં કેટી (KT – Keep Term) આવતા તે ભારે નાસીપાસ થઈ ગયો હતો. ડોક્ટર બનવાના સપનામાં રુકાવટ આવતા ત્યારથી સતત ડિપ્રેશનમાં રહેતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *