હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટે સપ્ટેમ્બરમાં 97 હજારથી વધુ યાત્રિકો નોંધાયા

રાજકોટનું હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત છે. અહીંથી દેશના પ્રમુખ મેટ્રો શહેરો જેવાં કે મુંબઇ, દિલ્હી, પૂના, હૈદરાબાદ અને બેંગ્લોર માટેની સીધી હવાઇ સેવા ઉપલબ્ધ છે, જેનાથી સમગ્ર સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં પ્રવાસન તેમજ વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રને એક નવી દિશા અને વેગ મળ્યો છે. આ એરપોર્ટ પરનાં વિમાન મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. જેમાં ગત સપ્ટેમ્બર માસ દરમિયાન એરપોર્ટ પરથી કુલ 97,314 મુસાફરોએ હવાઇ સફરનો આનંદ માણ્યો હતો. જે ઓગષ્ટ કરતા 10,000 જેટલા વધુ લોકોએ આ એરપોર્ટ પરથી મુસાફરી કરી છે.

સપ્ટેમ્બર મહિનાની આંકડાકીય વિગતો પર નજર કરીએ તો, એરપોર્ટ ખાતે 51,073 મુસાફરોનું આગમન થયું હતું, જ્યારે 46,241 મુસાફરોએ અહીંથી અન્ય શહેરો માટે પ્રસ્થાન કર્યું હતું. ગત ઓગષ્ટ મહિના કરતા સપ્ટેમ્બરમાં મુસાફરોની સંખ્યામાં 10 હજાર જેવો વધારો નોંધાયો છે. આ દરમિયાન એરપોર્ટ ખાતે 361 ફ્લાઈટોનું ઓપરેશન નોંધાયું છે. ગત ઓગસ્ટ માસની તુલનાએ સપ્ટેમ્બરમાં યાત્રિકોની સંખ્યામાં 10,147નો મસમોટો વધારો નોંધાયો છે. ઓગસ્ટ માસમાં જ્યાં 297 વિમાનોનું આવાગમન થયું હતું, તેની સામે સપ્ટેમ્બર માસમાં એર ઇન્ડિયા દ્વારા મુંબઇ અને દિલ્હી રૂટ પર એક-એક વધારાની ફ્લાઇટ શરૂ કરવામાં આવતા ફ્લાઇટ્સની કુલ સંખ્યા વધીને 361 પર પહોંચી હતી. હવાઇ સેવામાં થયેલા આ સુધારા અને ફ્લાઇટ્સની સંખ્યામાં થયેલા વધારાથી મુસાફરોને મોટી રાહત મળી છે. અને યાત્રિકોના ઘસારામાં પણ સીધો વધારો જોવા મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *