રાજકોટ એઇમ્સ હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ કરતી વિદ્યાર્થીની સાથે ડ્રેસીંગ વિભાગમાં નર્સીગ સ્ટાફ તરીકે નોકરી કરતા કર્મચારીએ અવાર નવાર ફ્લર્ટ કરી વિદ્યાર્થીનીની કમરના ભાગે હાથ રાખી કમર પકડી અને ખભા પર હાથ રાખી છેડતી કરી હોવાની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે જેના આધારે પોલીસે તાત્કાલિક આરોપી લલિતની અટકાયત કરી ધરપકડ કરવા માટે તજવીજ હાથ ધરી છે.
ડ્રેસિંગ વિભાગમાં ફરજ પર હતી
મૂળ રાજસ્થાનની અને હાલ રાજકોટ એઇમ્સ હોસ્ટેલમાં રહી MBBSનો અભ્યાસ કરતી યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ MBBSનો અભ્યાસ કરે છે અને હાલમાં એઇમ્સ હોસ્પીટલમાં જ ઇન્ટર્નશીપ ચાલુ છે. ગત તા.25.09.2026થી ડ્યુટી એઇમ્સ હોસ્પીટલમાં ડ્રેસીંગ વિભાગમાં હતી અને તા.26.09.2026ના રોજ સવારના 9થી બપોરના 1 વાગ્યા સુધી નોકરી દરમ્યાન મારી સાથે હેલ્પમાં નર્સીગ સ્ટાફના લલીતભાઇ હતા. હું મારા ફોનમાં સ્ટેટસ જોતી હતી ત્યારે લલીતભાઇએ અચાનક મારો ફોન લઇ લીધો હતો અને તેમાં મારા ફોટા જોવા લાગ્યા હતા જેથી મે તેમને કહ્યું કે તમે આવી રીતે મારો ફોન ન જોઇ શકો તેમ કહી મારો મોબાઇલ પરત લઈ લીધો હતો.
‘ઘર કી દાલ ડેઇલી કોન ખાતા’ કહી ફ્લર્ટ કરતો
ત્યારબાદ ફરી તા.30.09.2026ના રોજ સવારના 9થી સાંજના 5 વાગ્યા સુધી મારી ડ્રેસીંગ વિભાગમાં નોકરી હતી ત્યારે પણ લલીતભાઈની મારી સાથે નોકરી હતી તે દીવસે બંને ડ્રેસીંગ રૂમમાં હતા ત્યારે કોઇ પેશન્ટ ન હોય જેથી લલીતભાઇ રૂમનો દરવાજો આડો કરેલ હતો અને કોઇપણ રીતે મારી સાથે વાત કરવાની કોશીશ કરતા અને કહ્યું કે આજે આપણે બહાર જમવા જઇએ જેથી મે કહ્યું કે મારે મેસમાં જમવાનુ છે તો તેમને કહ્યું કે હું તને પાર્ટી આપુ જેથી મે ના પાડી હતી અને કહ્યું કે તમારા લગ્ન થઇ ગયા છે અને આવી રીતે અવાર નવાર મારી સાથે ફ્લર્ટ કરો તે સારૂ ન લાગે તો સામે લલીતભાઇએ કહ્યું કે “ઘર કી દાલ ડેઇલી ડેઇલી કોન ખાતા” તેમ કહી મારી સાથે મારી ઇચ્છા વિરૂધ્ધમાં ફ્લર્ટ કરતા હતા.
કેન આઈ ટચ પૂછી અચાનક કમર પર હાથ મૂકી દીધો
ત્યારબાદ હું ડ્રેસીંગ રૂમમાં ખુરશી ઉપર બેઠી હતી ત્યારે મને ખુરશી સહીત પોતાની તરફ ખેંચી હતી જેથી હું ખુરશી પરથી ઉભી થઇ ગયા બાદ થોડીવાર પછી હું ત્યાં રૂમમાં જ સ્ટીલની ત્રણ ખુરશી જોઇન્ટ કરેલ બાકડો છે તેના પર બેઠી હતી ત્યારે આ લલીતભાઇ મારી બાજુમાં આવીને બેસી ગયા હતા અને મને કમરના ભાગે ટચ કરવાનો ઇશારો કરીને “કેન આઈ ટચ” તેમ કહી મને બે ત્રણ વાર કમરના ભાગે ટચ કરવાનો ઇશારો કર્યો હતો જેથી મે તેને કહ્યું કે “આપ ઐસા નહી કર શકતે’ ત્યારે આ લલીતભાઈએ અચાનક મારી કમરમાં હાથ નાખી મને પકડી બાદમાં મારા ખભા પર હાથ મુક્યો જેથી હું એકદમ ગભરાઇ ગઈ હતી અને ત્યાંથી ઉભી થઈને બહાર નીકળી ગઈ હતી.